ભરૂચના ડૉ.બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે “ભુલકા મેળો-૨૦૨૨” યોજાયો
(પ્રતિનિધિ) ભરૂચ, ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા આઈ.સી.ડી.એસ. શાખા,જિલ્લા પંચાયત ભરૂચના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો-૨૦૨૨નું આયોજન ડૉ.બાબા સાહેબ આંબેડકર હોલમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીના અધ્યક્ષપણા હેઠળ યોજાયો હતો.
આ વેળાએ મહિલા,બાળ અને યુવા પ્રવૃત્તિ સમિતિના અધ્યક્ષશ્રીમતિ વર્ષાબેન દેશમુખ, આઈ.સી.ડી.એસ. શાખાના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર કોમલબેન એચ. ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશભાઈ ચોધરીએ સૌને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે, બાળકને નાનપણથી જ વિવિધ બાબતો સાથે સંલગ્ન કરવાથી અને તેને વિવિધ પ્રવતિઓમાં વ્યસ્ત રાખવાથી તેની બૌધિક ક્ષમતામાં વધારો થાય છે.
નાની-નાની પ્રવૃતિઓથી મનના એક-એક ઇન્દ્રિયનો વિકાસ થાય છે.તેમણે આજના સુચારૂ આયોજન અને વિવિધ સ્પર્ધાઓમાં ભૂલકાઓને તૈયાર કરવા પાછળની મહેનત માટે આંગણવાડીના બહેનોની ખુબ સરાહના કરી અભિનંદન પાઠવ્યા હતા.
જિલ્લા પ્રોગ્રામ ઓફિસર કોમલબેન ઠાકોરે આ પ્રસંગે સૌને ઉત્સાહપુર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવવા માટે અભિનંદન પાઠવ્યા હતા.પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત આંગણવાડીમાં સંસ્કારો સાથે પોષણનું સિંચન થાય છે એમ ઉમેર્યું હતું.આ સાથે તેમણે બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવાનું ભગીરથ કાર્ય આંગણવાડીની બહેનો દ્વારા થાય છે જેના માટે તેઓની જવાબદારીને બિરદાવી હતી.
મહિલા, બાળ અને યુવા પ્રવૃત્તિ સમિતિના અધ્યક્ષ વર્ષાબેન દેશમુખે ભરૂચ જિલ્લાનું આઈસીડીએસ વિભાગ અને તેમાં કાર્યરત આંગણવાડીની હેલ્પર અને વર્કર બહેનોએ ખુબ જ સારી કામગીરી કરી છે જેને બિરદાવી હતી.
કાર્યક્રમમાં બાળ કલાકારો દ્વારા અભિનય ગીત, સ્વાગત નૃત્ય, વાર્તાકઠન, પપેટ શો રજૂ કરી સૌને મનમોહિત કર્યા હતા.વેશભુષામાં વિવિધ પરિધાન ધારણ કરી બાળકોએ પોતાની આગવી કલાથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.