મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી: અમિત શાહ હાજર રહ્યા

ભાજપાએ ભયમુક્ત શાસન આપ્યું, કોઈની હિંમત નથી કે ગુજરાતમાં કાંકરીચાળો કરી શકે ઃ અમિત શાહ
(માહિતી) ગાંધીનગર, ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સમાવિષ્ટ ઘાટલોડિયા વિધાનસભાના ભાજપના ઉમેદવાર તરીકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નામાંકન પત્ર દાખલ કરવા સમયે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા.
શાહે ઘાટલોડિયા વિધાનસભા ખાતે જંગી જાહેરસભાને સંબોધી હતી અને ત્યારબાદ રોડ શોની શરૂઆત કરાવી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે નામાંકન પત્ર દાખલ કરાવવા પહોંચ્યા હતા. આ તબક્કે ઘાટલોડિયા વિધાનસભાના નાગરિકોએ ખૂબ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ગગનભેદી નારાઓ સાથે શાહ અને પટેલને આવકાર્યા હતા.
શાહે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા કહ્યું હતું કે કોંગ્રેસ પ્રચાર કરે છે કે કોંગ્રેસનું કામ બોલે છે પણ હકીકત તો એ છે કે છેલ્લા ૨૭ વર્ષથી જનતાના અવિરત સ્નેહ અને આશીર્વાદથી ગુજરાતમાં ભાજપની સરકાર રહી છે આ સ્થિતિમાં કોંગ્રેસ સત્તામાં જ નથી તો કયું કામ બોલે છે.
તેઓએ કહ્યું કે કોંગ્રેસે નાગરિકોને ભ્રમિત કરવાના, ગરીબો અને વંચિતો આજીવન પરતંત્ર રાખવા અને દેશને વૈશ્વિક સ્પર્ધામાં પાછળ રાખવા સિવાય કોઈ કામ નથી કર્યા. વોટ માટે ધર્મ અને જ્ઞાતિ – જાતિના નામે દેશને ખોખલો કરી તેની એકતા અને અખંડિતતાને ખંડિત કરવાના એકમાત્ર કાર્યો કોંગ્રેસે કર્યા છે.
ભાજપાની સરકારે રાજ્યના પ્રત્યેક વ્યક્તિ આર્ત્મનિભર બને અને તેના ડોર સ્ટેપ પર તમામ સરકારી સુવિધાઓ ઉપલબ્ધ થાય તે પ્રકારની કાર્ય સંસ્કૃતિનું નિર્માણ કર્યું છે. ભાજપાએ ભયમુક્ત શાસન આપ્યું, કોઈની હિંમત નથી કે ગુજરાતમાં કાંકરીચાળો કરી શકે.
શાહે અંતમાં આગામી અઢી મહિના સુધી કોંગ્રેસના ઉમેદવાર શોધ્યા ન મળે તે પ્રકારે ભાજપા ઉમેદવાર ભુપેન્દ્રભાઈ પટેલની તરફેણમાં જંગી મતદાન કરવા ઘાટલોડિયા વિધાનસભા ક્ષેત્રના નાગરિકોને અપીલ કરી હતી. તેઓએ ભાજપાની તરફેણમાં ઐતિહાસિક મતદાન કરી ‘આ ગુજરાત મે બનાવ્યું છે’ લાગણીને વાચા આપવા આહવાન કર્યું હતું.