ભુપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યુ
(એજન્સી)અમદાવાદ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દેવ ભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિની જાત માહિતી મેળવવા મુખ્ય સચિવ રાજકુમાર સાથે આ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી તેમજ પોલીસ મહાનિદેશક વિકાસ સહાય પણ સાથે જોડાયા હતા.
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૬૮ તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ દ્વારકાના કલ્યાણપુરમાં ૧૧ ઈંચ પડ્યો છે. માણાવદરમાં ૧૦ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે વિસાવદરમાં ૯ ઈંચ વરસાદ પડ્યો હતો. તેમજ પલસાણા અને કેશોદમાં ૮.૫ ઈંચ વરસાદ ખાબક્યો હતો. તેમજ દ્વારકામાં પોણા ૮ ઈંચ અને કપરાડામાં ૮ ઈંચ વરસાજ વરસ્યો હતો.
આ ઉપરાંત વાપી, માળીયાહાટીના, ચીખલીમાં ૬ ઈંચ વરસાદ પડ્યો હતો. કામરેજ અને ઉપલેટામાં ૬ ઈંચ વરસાદ પડ્યો છે. તેમજ ૩૧ તાલુકામાં ૪ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જો ટકાવારી અનુસાર વરસાદની વાત કરીએ તો આ સિઝનમાં ૪૪.૨૯ ટકા વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્રમાં ૬૬ ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ૫૦ ટકા અને ઉત્તર ગુજરાત-મધ્ય ગુજરાતમાં માત્ર ૨૪ ટકા વરસાદ પડ્યો છે.