ભૂતાનના રાજા અને પ્રધાનમંત્રી સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળશે
ભૂતાનના રાજા શ્રી જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા પ્રધાનમંત્રી શ્રી શેરિંગ તોબગે તા. ૨૨ને સોમવારે વડોદરા થઇ એકતાનગરની મુલાકાતે
કોઇ દેશના રાજા અને તેના પ્રધાનમંત્રી સૌ પ્રથમ વખત, એક સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમ નિહાળશે
(વડોદરા, તા.૨૧ જુલાઈ, ૨૦૨૪ રવિવાર) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે રચાયેલી ભારત રત્ન સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા માટે ભૂતાનના રાજા અને પ્રધાનમંત્રી તા. ૨૨ને સોમવારે પધારી રહ્યા છે.
કોઇ દેશના રાજા અને તેના પ્રધાનમંત્રી સૌ પ્રથમ વખત, એક સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા હોવાથી વડોદરા અને નર્મદા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીએ વૈશ્વિક પ્રવાસન સ્થળોમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગ્રામીણ વિસ્તાર અને ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં નિર્માણ થયેલા આ પ્રવાસન સ્થળની દિનપ્રતિદિન લોકપ્રિયતા વધી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરના વિકાસને કારણે અનેક સ્થાનિક આદિવાસી પરિવારોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું છે. તો બીજી તરફ ભૂતાન તેની પ્રાકૃતિક સંપદાના સંરક્ષણ અને પ્રવાસન માટે પ્રસિદ્ધ છે. આ બાબતને નિહાળવા માટે ભૂતાન દેશના બન્ને સર્વોચ્ચ વડા એકતાનગર ખાતે પધારી રહ્યા છે.
ભૂતાનના રાજા શ્રી જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા પ્રધાનમંત્રી શ્રી શેરિંગ તોબગે તા. ૨૨ને સોમવારે વડોદરા થઇ એકતાનગરની મુલાકાત લેવાના છે. પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર આ બન્ને મહાનુભાવો સોમવારે સવારે ૧૧.૧૫ વાગ્યે વડોદરા એરપોર્ટ ખાતે ઉતરશે. અહીં તેમનું મહાનુભાવો દ્વારા સ્વાગત કરાયા બાદ ગરબા સાથે આગમનના વધામણા કરવામાં આવશે.
વડોદરા એરપોર્ટ પરથી તેઓ સીધા કેવડિયા જવા માટે રવાના થશે. કેવડિયામાં તેઓ સર્વ પ્રથમ ૧ વાગ્યે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. અહીં તેમને આઝાદી બાદ દેશની એકતા માટે થયેલા કાર્યો ઉપરાંત સરદાર પટેલની ભૂમિકા, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની પાશ્ચાદભૂ આપવામાં આવશે. ત્યાર બાદ મહાનુભાવો ટેન્ટ સિટી-૧ની મુલાકાત લેશે. ટેન્ટ સિટી-૧થી તેઓ ૩.૫૦ વાગ્યે સરદાર સરોવર ડેમની મુલાકાત લેશે.
વિદેશી મહાનુભાવની મુલાકાતને ધ્યાને રાખીને વડોદરા અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ માટે બન્ને જિલ્લામાં સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં વિદેશ મંત્રાલયના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભૂતાનના રાજા અને પ્રધાનમંત્રીની આ યાત્રા દરમિયાન રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા પણ તેમની સાથે જોડાશે.