Western Times News

Gujarati News

રશિયા સામે યુક્રેનને શસ્ત્રો આપવાનો નિર્ણય બાઇડેનની મૂર્ખામી: ટ્રમ્પ

પામ બીચ, અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બાઇડેન દ્વારા રશિયા પર હુમલો કરવા યુક્રેનને અમેરિકાની લાંબી રેન્જની મિસાઇલ્સ આપવાના નિર્ણયને બદલવાનો સંકેત આપ્યો છે.

તેમણે સોમવારે બાઇડેનના પગલાને મૂર્ખામીભર્યું ગણાવ્યું હતું. તેમણે એ બાબતે રોષ વ્યક્ત કર્યાે હતો કે, બાઇડેને નિર્ણય લેતા પહેલાં નવી સરકારના સભ્યો સાથે તેની ચર્ચા કરી ન હતી.

ટ્રમ્પે જણાવ્યું હતું કે, “બાઇડેને યુક્રેનનને રશિયાના હજારો માઇલ દૂરના સ્થળો પર હુમલો કરવા અમેરિકાની ‘આર્મી ટેક્ટિકલ મિસાઇલ સિસ્ટમ’ આપી હતી. તેની મંજૂરી આપવી જોઇતી ન હતી. ખાસ કરીને ત્યારે જ્યારે થોડા દિવસોમાં મારી સરકાર રચાવાની છે.

મને પૂછવામાં આવ્યું હોત તો મેં આવું કરવાની મંજૂરી ન આપી હોત. મારા મતે આ મોટી ભૂલ હતી.” ટ્રમ્પે તેના માર-આ-લાગો રિસોર્ટ ખાતેની ન્યૂઝ કોન્ફરન્સમાં વિસ્તારપૂર્વક વાતચીત કરી હતી. તેમને પ્રશ્ન પુછાયો હતો કે, “તમે બાઇડેન સરકારના આ નિર્ણયને પલટવાનું વિચારશો?” તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું કે, “હા, હું વિચારી શકું.”

ઉલ્લેખનીય છે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે ૨૦ જાન્યુઆરીએ શપથ લેવાના છે ત્યારે બાઇડેન સરકાર એ પહેલાં યુક્રેનને રશિયા સામે યુદ્ધ માટે શક્ય તમામ સહાય આપવાના જોરશોરથી પ્રયાસ કરી રહી છે. જોકે, ટ્રમ્પના નિવેદનને પગલે યુક્રેનને થોડા સમય પહેલાં અપાયેલી લાંબી રેન્જની મિસાઇલ્સના નિર્ણય પર પ્રશ્નાર્થ ઊભો થયો છે.

ટ્રમ્પ પ્રેસિડેન્ટ બન્યા ત્યારથી યુક્રેન-રશિયા યુદ્ધનો ઝડપથી અંત લાવવાની ઇચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે. વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા પ્રવક્તા જ્હોન કિર્બીએ બાઇડેન સરકાર અને નવી રચાનારી ટ્રમ્પ સરકાર વચ્ચેના સંકલન અંગે જણાવ્યું હતું કે, “અમે તેમની સાથે ચૂંટણી પછી વિવિધ સ્તરે ચર્ચા કરી છે.

અમે તેમને યુક્રેનને શસ્ત્રો આપવાના તર્કની પણ સમજણ આપી છે.”ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે જણાવ્યું હતું કે, તે લગભગ ત્રણ વર્ષથી ચાલતા યુદ્ધનો અંત લાવવા માટે યુક્રેનના પ્રેસિડેન્ટ વોલોદિમીર ઝેલેન્સ્કી અને રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન સાથે વાત કરશે.

ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ જાન્યુઆરીમાં શપથ લેવાના છે એ પહેલાં બંને દેશ યુદ્ધના મેદાનમાં એકબીજા પર હાવી થવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, યુક્રેનમાં એવો ગણગણાટ શરૂ થયો છે કે, ટ્રમ્પ યુદ્ધ પૂરું કરવા માટે તેને અમુક વિસ્તારો રશિયાને સોંપવા ફરજ પાડશે.

ટ્રમ્પે અમેરિકા દ્વારા યુક્રેનને કરાયેલી અબજો ડોલરની સહાય અંગે સતત ટીકા કરી છે ત્યારે ટ્રમ્પે સોમવારે જણાવ્યું હતું કે, “આપણે આ લોહિયાળ જંગને અટકાવવો પડશે. હું આ બાબતે પુતિન અને ઝેલેન્સ્કી સાથે વાત કરીશ.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.