પુણેમાં મોટો અકસ્માત, ફૂટપાથ પર સૂતેલા ૯ લોકોને ડમ્પરે કચડ્યા
પુણે, મહારાષ્ટ્રના પુણેથી એક મોટી દુર્ઘટનાના સમાચાર આવી રહ્યા છે. અહીં એક ડમ્પરે ફૂટપાથ પર સૂઈ રહેલા ૯ લોકોને કચડી નાખ્યા હતા.
અકસ્માતનો ભોગ બનેલા ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય કેટલાક ઘાયલ હોવાનું કહેવાય છે.મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘાયલ થયેલા લોકોમાંથી ત્રણની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
મળતી માહિતી મુજબ આ ઘટના પુણેના વાઘોલીના કેસનંદ ફાટામાં સવારે ૧ વાગ્યાની આસપાસ બની હતી. અકસ્માતનો ભોગ બનેલા તમામ મજૂરો હતા અને ફૂટપાથ પર સૂતા હતા. તે સમયે એક ઝડપી ડમ્પરે અનેક લોકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં ૯ લોકો ઘાયલ થયા હતા, જેમાંથી ત્રણના ઘટનાસ્થળે જ મોત થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ડમ્પર ચાલક નશાની હાલતમાં હતો.
ઘાયલોને સારવાર માટે સાસૂન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.કામદારો રવિવારે રાત્રે જ કામ માટે અમરાવતીથી પુણે આવ્યા હતા. અકસ્માત સમયે ફૂટપાથ પર કુલ ૧૨ લોકો સૂતા હતા. બાકીના લોકો ફૂટપાથની બાજુના ઝૂંપડામાં સૂતા હતા.
આ દરમિયાન ભારે ડમ્પર સીધું ફૂટપાથ પર ચઢી ગયું હતું અને નિંદ્રાધીન લોકોને કચડીને આગળ નીકળી ગયું હતું.હાલમાં પોલીસે ડમ્પરના ચાલકની અટકાયત કરી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.SS1MS