બીગ બેસ ટી૨૦ની મેચ પર સટ્ટો રમનાર ઝડપાયો

Files Photo
અમદાવાદ, શહેરના કઠવાડા રોડ પર આવેલા ગજાનંદ એસ્ટેટમાં શ્યામ વુડ શેડની ઓફિસમાં સટ્ટાની ગેરકાયદે પ્રવૃતિ ચાલતી હોવાની પીસીબીની ટીમને બાતમી મળી હતી. પીસીબીની ટીમે રેડ કરતા ત્યાંથી એક આધેડ સટ્ટો રમતા મળી આવ્યો હતો.
આધેડ બીગ બેસ ટી૨૦ની મેચ પર સટ્ટો રમતા મળી આવ્યા બાદ તેને આઇડી આપનારને પણ પોલીસે ઝડપી પાડ્યો હતો. ત્યારે આરોપીઓને માસ્ટર આઇડીમાંથી અન્ય આઇડી બનાવી આપનારની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
પીસીબી પી.આઇ. જે. પી. જાડેજાની ટીમને બાતમી મળી હતી કે કઠવાડા રોડ પર આવેલા ગજાનંદ એસ્ટેટમાં શ્યામ વુડ શેડની ઓફિસમાં કેટલાક લોકો ક્રિકેટ સટ્ટો રમે છે. જેથી પોલીસે ત્યાં રેડ કરીને રમેશચંદ્ર પટેલ (ઉ.૫૨, રહે. કેસર એક્ઝોટિકા, હંસપુરા)ને ઝડપી પાડ્યો હતો.
પોલીસે આરોપીના મોબાઇલ ફોનની તપાસ કરતા તેમાંથી સટ્ટાની પ્રવૃતિના પુરાવા મળી આવ્યા હતા. આરોપી ઓસ્ટ્રેલિયાના બ્રિસબેંન શહેરમાં ચાલી રહેલી બીગ બેસ ટી૨૦ની સિડની સિક્સર અને હોબાટ હનીકેન વચ્ચેની લાઇવ મેચ પર ક્રિકેટ સટ્ટો રમતો હતો. પોલીસે આરોપી રમેશને આઇડી બાબતે પૂછપરછ કરતા વસ્ત્રાલના કૃણાલ ઉર્ફે રાઉડી રાઠોડનું નામ ખુલ્યું હતું.
જેથી પીસીબીની એક ટીમ ત્યાં પહોંચી અને કૃણાલ ઉર્ફે રાઉડી (રહે. વૃંદાવન રેસિ., વસ્ત્રાલ)ને ઝડપી પાડ્યો હતો. આરોપી કૃણાલે પોલીસ સમક્ષ કબૂલાત કરી કે તેણે સટ્ટો રમવા માટેનું આઇડી ૧૦ હજારમાં આપ્યું હતું. જે આઇડી તેને ધવલે આપ્યું હતું. આરોપી ધવલ પાસે માસ્ટર આઇડી છે અને તેમાંથી તે આઇડી બનાવીને સટોડિયાઓને વેચે છે.
આટલું જ નહિ આરોપી ધવલે અનેક લોકોને ગ્રાહક લાવી આપવા બદલ પાંચ ટકા કમિશનની પણ ઓફર કરી હતી. જેથી આ કેસમાં પોલીસે ૧.૨૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ફરાર આરોપીઓ ધવલ ઠક્કર (રહે. ડીસા), અક્ષય ઉર્ફે અક્કી (રહે. વસ્ત્રાલ), ઉદય (રહે. નરોડા)ની શોધખોળ હાથ ધરી છે.SS1MS