TMC વિરૂદ્ધ જાહેરાતના મામલામાં BJPને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો
સુપ્રીમ કોર્ટનો ભાજપની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર-સુપ્રીમે BJPને કહ્યું “તમારી જાહેરાત ખોટી, તમારો હરીફ તમારો દુશ્મન નથી
(એજન્સી)નવી દિલ્હી, TMC વિરૂદ્ધ જાહેરાતના મામલામાં ભાજપને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ભાજપની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે ભાજપને કહ્યું કે, “પ્રથમ નજરે તમારી જાહેરાત ખોટી છે. તમારો હરીફ તમારો દુશ્મન નથી.
તમે તમારી વાત હાઈકોર્ટમાં રજૂ કરો.” કોલકત્તા હાઈકોર્ટે ટીએમસી વિરુદ્ધ બીજેપીની જાહેરાત પર પ્રતિબંધ મૂક્યો હતો. Calcutta High Court banned BJP’s advertisement against TMC.
હાઈકોર્ટે ટીએમસી વિરુદ્ધ બીજેપીની જાહેરાત પર ૪ જૂન સુધી પ્રતિબંધ મૂક્યો હતો. જે બાદ ભાજપે હાઇકોર્ટના આદેશને પડકારવા માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. હવે અહીંથી પણ ભાજપને ઝટકો લાગ્યો છે.
ભાજપના વરિષ્ઠ વકીલ પી.એસ. પટવાલિયાએ કહ્યું કે, અમારી જાહેરાતો તથ્યો પર આધારિત છે. જેના પર જસ્ટિસ મહેશ્વરીએ કહ્યું કે, અરજીમાં સંબંધિત પેજ જુઓ. તમે અહીં મુદ્દાને અતિશયોક્તિ સાથે બતાવી રહ્યા છો. જેમાં અમે દખલગીરી કરવા માંગતા નથી. પટવાલિયાએ કહ્યું કે, અમારી તો વાત પણ સાંભળવામાં આવી નથી. અમારી દલીલ તો સાંભળો.
જેના પર જસ્ટિસ વિશ્વનાથને કહ્યું કે, “પ્રથમ નજરે તમારી જાહેરાત બદનક્ષીભરી છે.” કોર્ટે કહ્યું કે, “અમે વધુ કડવાશને પ્રોત્સાહન આપી શકીએ નહીં. અલબત્ત તમે તમારી જાતને પ્રમોટ કરી શકો છો. જો હાઈકોર્ટ તમારી વાત સાંભળી રહી છે તો અમે તેમાં શા માટે સામેલ થઈએ.”
જેના જવાબમાં પટવાલિયાએ કહ્યું કે, આવી સ્થિતિમાં તો આગામી મતદાનની તારીખ ૧લી જૂન પણ વીતી જશે. કૃપા કરીને મારી વાત સાંભળો.” જસ્ટિસ વિશ્વનાથને કહ્યું કે, “આવી વધુ જાહેરાતોથી મતદારોને નહીં પરંતુ માત્ર તમને જ ફાયદો થશે.”
જસ્ટિસ મહેશ્વરીએ કહ્યું કે, મહેરબાની કરીને અહીં કેસ ન ચલાવો. બિનજરૂરી મામલાઓની જરૂર નથી. એમ નથી કહી તહયો કે ચૂંટણી ન લડો. માફ કરશો અમે ઇચ્છુક નથી. ત્યારે પટવાલિયાએ કહ્યું કે, “તેઓ અરજી પાછી ખેંચવા માંગે છે.” કોર્ટે જેને મંજૂરી આપી હતી. સુપ્રીમ કોર્ટે ભાજપને કહ્યું કે તમારો વિરોધી તમારો દુશ્મન નથી.