Western Times News

Gujarati News

મોરબી ઝૂલતા પુલ કેસ જયસુખ પટેલને મોટી રાહત

મોરબી, મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં આરોપી જયસુખ પટેલને કોર્ટે મોટી રાહત આપી છે. કોર્ટે જયસુખ પટેલને મોરબી જિલ્લામાં પ્રવેશ ન કરવાની શરતમાંથી મુક્તિ આપી છે, જેના પગલે હવે તેઓ મોરબી જિલ્લામાં પ્રવેશી શકશે.

આ અગાઉ જયસુખ પટેલને શરતી જામીન આપવામાં આવ્યા હતા.મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મોત થયા હતા, જેણે સમગ્ર મોરબીમાં શોકની લાગણી ફેલાવી હતી. આ દુર્ઘટનામાં ઘણા પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા, જેનો ઘા હજુ પણ રૂઝાયો નથી.

કેટલાક પરિવારોએ તો હજુ સુધી તહેવારોની ઉજવણી પણ નથી કરી.મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ૨૭ જાન્યુઆરીએ સેશન્સ કોર્ટમાં રજૂ થયેલી ચાર્જશીટમાં જયસુખ પટેલને મુખ્ય આરોપી તરીકે દર્શાવાયો છે. ૧૨૬૨ પાનાની ચાર્જશીટમાં જયસુખ પટેલ પર અંગત સ્વાર્થ માટે અધૂરા સમારકામે પુલ ખોલવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે.

પુલ ખોલવા પાછળ તેમનો આર્થિક લાભ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. ચાર્જશીટમાં ખુલાસો થયો છે કે સમારકામની મુદત એક વર્ષ હોવા છતાં છ મહિનામાં કામ પૂરું કરવામાં આવ્યું હતું. પુલના બે કેબલમાંથી એક કેબલ નબળો હોવા છતાં સમારકામમાં બેદરકારી દાખવવામાં આવી હતી.

બીજા કેબલમાં ૪૯માંથી ૨૨ તાર કાટ ખાધેલા હોવા છતાં રિપેર કરવામાં આવ્યા ન હતા. ટેકનિકલ મદદ લીધા વગર જ પુલનું કામ સોંપવામાં આવ્યું હતું અને પુલ નદી પર હોવા છતાં લાઈફ સપોર્ટ સિસ્ટમની સુવિધા નહોતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.