સુરતમાંથી બોગસ પુરાવાનું સૌથી મોટું કૌભાંડ પકડાયું
(એજન્સી)સુરત, આધારકાર્ડ,પાનકાર્ડ, ચુંટણીકાર્ડ,જન્મપ્રમાણપત્ર જેવા ભારતીય નાગરિક તરીકેના આવશ્યક ઓળખના બનાવટી પુરાવાઓ બનાવી, દેશની સુરક્ષા સામે પ્રશ્નો ઉભા કરનારાઓના મુખ્ય સુત્રધારોને રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ ખાતેથી પકડી પાડી રાષ્ટ્રવ્યાપી ગુનાનો પર્દાફાશ ઇકો સેલ દ્વારા કરવામાં આવ્યો છે.
આરોપીઓ પાસેથી ૨ લાખ જેટલા આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ તથા જન્મ દાખલો કબ્જે કરવામાં આવ્યો છે. હાલના સમયમાં સમગ્ર ભારત દેશ અને તેમાં પણ ગુજરાત રાજ્યમાં બોગસ અને બનાવટી ઓળખના પુરાવાઓ બનાવી તેના આધારે ડી સીમકાર્ડ, લોન કૌભાંડો વ્યાપક માત્રામાં થઇ રહ્યાં છે.
આ બાબતો ધ્યાને આવતા ગુજરાત પોલીસ અને સુરત શહેર પોલીસ દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિઓના મુળ સુધી પહોંચી તેમાં સંડોવાયેલ લોકોને પકડી પાડી આ પ્રકારના ગુનાઓ પર અંકુશ લાવવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
ત્યારે ઇકોસેલમાં એચડીએફસી બેંક લિમિટેડનાં એરીયા ઇન્વેસ્ટીંગેશન મેનેજર તરીકે ફરજ બજાવતા અશોકભાઇ મણીલાલ પીપરોડીયા ફરીયાદ આપી હતી કે, આરોપીઓએ એક-બીજાની મદદગારીથી લોન લેવાની પ્રોસેસ કરી કરાવી તેમા લોન લેનારના નામના ખોટા આધાર કાર્ડ,
પાનકાર્ડ, રહેઠાણનું ખોટુ સરનામુ તથા તેઓ કોઇ કંપનીમાં નોકરી કરતા ન હોવા છતા તે કંપનીની બોગસ સેલેરી સ્લીપો રજુ કરી લોન મંજુર કરી તે લોનના રૂપિયા પોતાના અંગત ખર્ચમાં વાપરી નાંખી લોનના હપ્તા નહીં ભરી બેંકને કુલ રૂ.૯૨,૫૭,૨૫૧/- નું આર્થિક નુકશાન કર્યું છે.