બિહારઃ પૂરપાટ ઝડપે આવતી કારે કાવડયાત્રીઓને લીધા હડફેટે, પાંચના મોત
બિહાર, બિહારના બાંકામાં પૂરપાટ ઝડપે આવતી કારે કાવડયાત્રીઓને હડફેટે લીધા હતા. જેમાં ૫ શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા છે. જ્યારે ૧૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જોકે, મૃત્યુઆંક વધી શકે છે.
દુર્ઘટના બાદ ઘટનાસ્થળે પહોંચેલા એસડીએમ અવિનાશ કુમારે જણાવ્યું હતું કે, ‘ઘટનાની માહિતી મળતાં જ પોલીસ-પ્રશાસનના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ ઘટનામાં ૧૦ વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે.
૫ લોકોના મોત થયા છે, જેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. પરિસ્થિતિ શાંતિપૂર્ણ છે અને વહીવટીતંત્ર સંપૂર્ણ સહકાર આપી રહ્યું છે. અમે ઘટનાની તપાસ કરીશું.’પોલીસના જણાવ્યાનુસાર, શુક્રવારે રાત્રે બાંકા જિલ્લામાં પૂરપાટ ઝડપે આવતી કારે કાવડયાત્રીઓને હડફેટે લીધા હતા. જેમાં પાંચ કાવડિયાઓના મોત થયા હતા અને અન્ય ઘણાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
તમામ કાવડયાત્રીઓ સુલતાનગંજથી ગંગા જળ લઈને જૈષ્ટગોરનાથ મહાદેવ મંદિર જઈ રહ્યા હતા. આ ઘટના બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ પોલીસ વાહનને પણ આગ ચાંપી દીધી હતી. માહિતી મળતા જ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ભીડને શાંત કરી હતી.SS1MS