Western Times News

Gujarati News

મારા પિતાને રિક્ષાની ચાવી આપીને આવું છું, કહી ગઠિયો યુવકનું બાઈક લઈ ગયો

પ્રતિકાત્મક

યુવકે લિફટ આપી તો ગઠિયાએ વિશ્વાસમાં લઈ બાઈક ચોરી લીધું

(એજન્સી) અમદાવાદ, માનવ સેવા એ જ પ્રભુ સેવા છે, સેવા પરમો ધર્મ આ બધી કહેવાતોનો આજના સમયમાં કોઈ મતલબ નથી તેને પૂરવાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગામડે બાઈક લઈને જઈ રહેલા એક યુવક સાથે ધરમ કરતાં ધાડ પડી હોવાની ઘટના બની છે. એસજી હાઈવે પર એક ગઠિયાએ યુવક પાસે લિફટ મ ાંગી હતી જેથી તેણે ગઠિયાને બાઈક પર બેસાડયો હતો.

સાણંદ ચોકડી પર ગઠિયાએ ઉતરીને યુવક સાથે દોસ્તી કરી લીધી હતી અને ચા પીવા માટે બન્ને ઊભા રહ્યા હતા. આ દરમિયાન મારા પિતાને રિક્ષાની ચાવી આપીને આવું છું તેમ કહીને ગઠિયાએ યુવક પાસે બાઈકની ચાવી માંગી હતી. યુવકે વિશ્વાસ કરીને બાઈક આપતાં ગઠિયો તેને ચોરીને રફુચક્કર થઈ ગયો હતો.

સરખેજ ગામમાં આવેલા ગાયત્રીનગરમાં રહેતા ઘનશ્યામ ચૌહાણે સરખેજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરૂદ્ધ બાઈક ચોરીની ફરિયાદ કરી છે. ઘનશ્યામ ચૌહાણ મૂળ અમદાવાદ જિલ્લાના ધંધૂકા તાલુકાના વાસણા ગામનો રહેવાસી છે અને છેલ્લા ત્રણ વર્ષથી સંયુક્ત પરિવારમાં અમદાવાદ રહે છે. ઘનશ્યામ સોલા ખાતે આવેલા ટીવીના સર્વિસ સેન્ટરમાં ટેકનિશિયન તરીકે નોકરી કરીને ગુજરાન ચલાવે છે. ઘનશ્યામ તેનું બાઈક લઈને રોજ નોકરીએ અવર-જવર કરતો હતો પરંતુ થોડા દિવસ પહેલા તેનું બાઈક ચોરાઈ ગયું છે.

થોડા દિવસ પહેલાં ઘનશ્યામને ધંધૂકા પોતાના ગામડે જવાનું હતું. જેથી તે નોકરી પર રજા લઈને સોલાથી નીકળ્યો હતો. એસજી હાઈવે પર આવેલા અદાણી સીએનજી પંપ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એક યુવકે ઘનશ્યામને હાથથી ઈશારો કરીને ઊભા રહેવાનું કહ્યું હતું. ઘનશ્યામે યુવકની મદદ કરવાની ભાવનાથી બાઈક ઊભું રાખ્યું હતું. યુવકે ઘનશ્યામને કહ્યું કે મારી રિક્ષામાં ગેસ ભરાવ્યો છે પણ ચાલુ થતી નથી.

જો તમે મને સાણંદ ચોકડી સુધી લઈ જાઓ તો સારું થશે. ઘનશ્યામે યુવકને પોતાના બાઈક પર બેસાડીને સાણંદ ચોકડી પાસે આવેલી સાવન હોટલ પાસે ઉતાર્યો હતો. યુવકે ઘનશ્યામ સાથે વાતચીત ચાલુ કરી હતી અને તેમના ગામ વિશે પૂછયું હતું. ઘનશ્યામે જવાબ આપ્યો હતો કે હું ધંધૂકાનો છું અને તમે કયાં રહો છો. યુવકે પણ જવાબ આપતા ઘનશ્યામને કહ્યું હતું કે, હું સાયલા ભગતના ગામનો છું.

યુવકે ઘનશ્યામની સાથે મિત્રતા કરીને કહ્યું હતું કે, હવે તો તમારે ચા પીને જવું પડશે. યુવકે સાવન હોટલમાંથી ચા મંગાવી હતી. બન્ને ચા પી રહ્યા હતા ત્યારે યુવકના મોબાઈલ પર ફોન આવ્યો હતો અને તે ઘનશ્યામથી થોડે દૂર જઈને વાત કરવા લાગ્યો હતો. થોડીવાર બાદ યુવક ઘનશ્યામ પાસે આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે મારા પિતાજીનો ફોન હતો

અને મારી પાસે રિક્ષાની ચાવી મંગાવે છે જેથી તમે તમારું બાઈક મને આપો તો હું અદાણી સીએનજી પંપ ખાતે જઈ રિક્ષાની ચાવી આપીને પાછો આવી જાઉં. યુવકે એકદમ મીઠી ભાષા વાપરીને ઘનશ્યામ પાસેથી બાઈકની ચાવી લઈ લીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.