સજા કાપીને મહેસાણાનો અઠંગ ચોર છૂટ્યોઃ ફરી 31 વાહનચોરીનો ભેદ ઉકેલાયોઃ વડોદરાથી ઝડપાયો
મહેસાણાનો આરોપી અમદાવાદ, વડોદરા, દાહોદ, સુરત ગોધરાથી વાહનો ચારી મધ્યપ્રદેશમાં વેચતો હતો
સજા કાપીને છૂટતાં જ મહેસાણાના શખ્સે ફરી વાહનચોરી શરૂ કરીઃ ૩૧ બાઈક મળ્યાં-વાહન ચોરી કરવા ટેવાયેલા આ અઠંગ વાહન ચોર પાસેથી વડોદરા પોલીસે ફરી એકવાર ૩૧ જેટલી મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલ્યો
વડોદરા, અમદાવાદ, વડોદરા, દાહોદ, સુરત ગોધરા સહિતના વિવિધ વિસ્તારોમાં અગાઉ ૫૦થી વધુ વાહનચોરી ગુનામાં પકડાયેલા આંતર જિલ્લા રીઢા ચોરને ક્રાઇમ બ્રાન્ચે હરણી રોડ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. ચોરી કરેલી બાઇકો મધ્યપ્રદેશમાં વેચી નાખતો હતો. વાહન ચોરી કરવા ટેવાયેલા આ અઠંગ વાહન ચોર પાસેથી વડોદરા પોલીસે ફરી એકવાર ૩૧ જેટલી મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલ્યો છે.
વડોદરામાં વાહન ચોરીના બની રહેલા બનાવો અંગે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા તે સીસીટીવી ફૂટે તેમજ ટેકનીકલ સર્વેલન્સ મારફતે વોચ રાખવામાં આવી રહી હતી. જે દરમિયાન અઠંગ વાહન ચોર અરવિંદ જયંતીભાઈ વ્યાસ (લુણવા ગામ, તા ખેરાલુ મહેસાણા) પર શંકા જતા પોલીસે તેની ગતિવિધિઓ તપાસી હતી. વડોદરાના હરણી વિસ્તારમાંથી મોટરસાયકલ સાથે પસાર થતાં અરવિંદને પોલીસે ઝડપી પાડી તપાસ કરતા તેની પાસે ૩૧ મોટરસાયકલ ચોરીનો ભેદ ખુલ્યો હતો.
જે પૈકી ૧૭ મોટરસાયકલ તેણે પંચમહાલ જિલ્લામાં વેચી હતી. પોલીસે આ અંગે વધુ પૂછપરછ કરી મોટરસાયકલ કબજે લેવા માટે તજવીજ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ગોળ ગોળ જવાબ આપતા આરોપીએ તેની બાળકીનું મૃત્યુ થયું હોવાથી અને પત્નીની સારવાર કરાવવાની હોવાથી મોટરસાયકલ ચોરી કરતો હોવાની કબુલાત કરી હતી.
થોડા સમય પહેલા જ તેણે વાહન ચોરીના ગુનામાં બે વર્ષની સજા પણ ભોગવી હતી.અરવિંદ હાઇવે નજીકના વિસ્તારોને પસંદ કરતો હતો અને ત્યાં પાર્કિંગમાં મુકેલા વાહનો ઉઠાવી લેતો હતો. પેશન મોટરસાયકલ તેની પસંદગીની બાઈક હતી. પેટ્રોલ પૂરું થતાં જ તે મોટરસાયકલ છોડી દેતો હતો.