વિશ્વભરમાં સંકટ વચ્ચે ભારતની ઝડપી પ્રગતિથી બિલ ગેટ્સ ખુશ
વોશિંગ્ટન, માઈક્રોસોફ્ટના સહ-સંસ્થાપક અને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ-અધ્યક્ષ બિલ ગેટ્સએ ભારતની પ્રગતિની ભરપૂર પ્રશંસા કરી હતી. બિલ ગેટ્સએ તેમના બ્લોગ ગેટ્સ નોટ્સમાં કહ્યું કે ભારત ભવિષ્ય માટે આશા બંધાવે છે અને તે સાબિત કરે છે કે દેશની મોટી સમસ્યાઓને તે એક જ પ્રયાસમાં ઉકેલી શકે છે. તેમણે કહ્યું કે જ્યારે દુનિયા અનેક સંકટ સામે ઝઝૂમી રહી છે ત્યારે ભારત ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે.
બિલ ગેટ્સએ તેમના બ્લોગમાં કહ્યું કે ક્લાઈમેટ ચેન્જ અને વૈશ્વિક સ્વાસ્થ્ય બંને એકસાથે સંકળાયેલા વિષયો છે પણ જ્યારે આ સમસ્યાઓ વિશે વાત થાય છે તો એ સાંભળવામાં આવે છે કે એક જ સમયે બંનેને ઉકેલવા માટે પર્યાપ્ત સમય કે સંસાધન નથી. તેમણે કહ્યું કે મારું માનવું છે કે યોગ્ય ઈનોવેશન અને ડિલીવરી ચેનલો સાથે દુનિયા એકસાથે અનેક સમસ્યાઓને ઉકેલવામાં સક્ષમ છે અને તેમાં ભારતથી બહેતર કોઈ ઉદાહરણ જ નથી.
બિલ ગેટ્સએ તેમના બ્લોગમાં લખ્યું કે ભારત મને ભવિષ્ય માટે આશા બંધાવે છે. આ દુનિયાની સૌથી વધુ વસતી ધરાવતો દેશ બની જશે જેનો અર્થ એ થાય છે કે તમે મોટાપાયે ઉકેલ્યા વિના ત્યાં મોટાભાગની પેદા થતી સમસ્યાઓને ઉકેલી નહીં શકો. તેમ છતાં ભારતે સાબિત કર્યું છે કે તે મોટા પડકારોને ઝિલી શકે છે. ભારતે પોલિયોથી મુક્તિ મેળવી. એચઆઈવી સંક્રમણ ઘટાડ્યું, ગરીબી ઘટાડી, બાળમૃત્યુદરમાં ઘટાડો થયો અને સ્વચ્છતા તથા નાણાકીય સેવાઓ સુધી પહોંચવામાં હવે વૃદ્ધિ પણ થઈ છે. SS2.PG