ખેતીલાયક જમીનને રસાયણમુક્ત રાખવા માટે ગોબર-ગૌમૂત્ર આધારિત સેન્દ્રિય ખાતરોનો વપરાશ વધારવો જરૂરી

બાયો ઇનપુટ્સ પૂરશે રાસાયણિક ખાતરોની ખોટ-પ્રાકૃતિક ખેતી અપનાવનારા જો બાયો-ઇનપુટ્સનો યુઝ કરશે તો પાકના આરોગ્યમાં સુધારો થવા સાથે જમીનના બંધારણમાં પણ સકારાત્મકતા વધે છે
ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ અને વિસ્તાર સતત વધતાં જાય છે. રાજ્યમાં પાંચ વર્ષમાં ૧૦૦ ટકા ખેતી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી જ થાય, એ માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં મિશન મોડમાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ અપનાવનારા ખેડૂતોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે.
રાજ્ય સરકારના ખેતી, બાગાયત, પશુપાલન વગેરે વિભાગો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ અને તેની વિવિધ પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવે છે.
ખેતીને જો રસાયણમુક્ત કરવી હોય તો સેન્દ્રિય ખાતરોનો વપરાશ વધારવો જરૂરી બને છે. ગૌમૂત્ર અને ગોબર આધારિત ખાતરો થકી જમીનને ફળદ્રુપ અને ખેતીલાયક બનાવી શકાય છે. પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખાતરોનો બિલકુલ ઉપયોગ બંધ કરવાનો હોય છે ત્યારે ખેતીમાં બાયો-ઇનપુટ્સ આપવા જરૂરી બની જાય છે.
બાયો-ઇનપુટ્સ એટલે શું?
ઘણાને પ્રશ્ન થાય કે આ બાયો-ઇનપુટ્સ એટલે શું? તો એના વિશે થોડું સમજી લઈએ. બાયો-ઇનપુટ્સ એ ફાયદાકારક સજીવો અથવા છોડમાંથી મેળવેલા કુદરતી અર્કમાંથી બનાવેલાં ઉત્પાદનો છે. બાયો-ઇનપુટ્સ થકી ખેતીની જમીનને મજબૂત બનાવવામાં મદદ મળે છે. બેકટેરિયા, ફૂગ, વાયરસ અને જંતુઓ, જેનો ઉપયોગ જીવાતોને નિયંત્રિત કરવા અથવા છોડના વિકાસને પ્રોત્સાહન આપવા માટે કૃષિ ઉત્પાદનમાં થઇ શકે છે, તે એવાં ઉત્પાદનો છે, જે પર્યાવરણમાં ઝેરી અવશેષો છોડતા નથી. સાથે તેના ઉપયોગથી ખેડૂતો અને ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે કોઈ ખતરો નથી.
ભારતની સુજલામ-સુફલામ ધરતીમાં વિવિધ કાર્બનિક પોષક તત્ત્વો પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે, જે પ્રાકૃતિક ખેતીમાં ઘણી મદદ કરે છે. કૃષિમાં ઉત્પાદન વધારવા માટે બાયોપેસ્ટીસાઇડ્સ અને બાયોફર્ટિલાઈઝર્સની ઉપયોગિતા જાણીતી છે. જમીનમાં સુક્ષ્મજીવાણુ દ્વારા નાઇટ્રોજન ફિક્સેશન કરવાથી અને ખેતરના અવશેષોનો ઉપયોગ કરીને ખેતરમાં નાઇટ્રોજનને રિસાયકલિંગ કરવાથી જમીનની ગુણવત્તામાં સુધારો થાય છે. આનાથી ઓછા ખર્ચે ખૂબ જ સારી ખેતી થઈ શકે છે.
બાયો-ઇનપુટ્સના પ્રકારો
બાયો-ઇનપુટ્સ જમીનમાં સેન્દ્રિય પદાર્થોમાં વધારો કરે છે. બાયો-ઇનપુટ્સના બે પ્રકાર છે : ૧) પાકને પોષક તત્ત્વો પૂરા પાડવા માટેના બાયો-ઇનપુટ્સ અને ૨) રોગ, જીવાત નિયંત્રણ માટેના બાયો-ઇનપુટ્સ.
બાયો-ઇનપુટ્સના ફાયદા
બાયો-ઈનપુટ્સના અનેક ફાયદા છે.
(૧) જમીનની રચનામાં સુધારો થાય છે.
(૨) જૈવિક પ્રવૃત્તિઓમાં વધારો નોંધાય છે.
(૩) પાણીની સંગ્રહ શક્તિમાં વધારો થાય છે.
(૪) જમીનના ખેડાણની પ્રક્રિયામાં ઘટાડો થાય છે.
(૫) પાકના આરોગ્યમાં ધરખમ સુધારો થાય છે.
(૬) પાકને જીવાતો અને રોગોથી બચાવવામાં પણ અગત્યની ભૂમિકા ભજવે છે.
(૭) ખેતીની જમીનની ગુણવત્તા જાળવવા માટે કૃષિ બાયો-ઇનપુટ્સ મહત્ત્વપૂર્ણ ભાગ છે.
રાજ્યના ખેડૂતોમાં બાયો ઇનપુટ્સ અંગે જાગૃત્તિ આવે અને તેઓ પ્રાકૃતિક કૃષિ માટે આગળ આવે તો કૃષિક્ષેત્રે અનેક સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે. રસાયણમુક્ત ખેતી થતાં જમીનની ક્ષમતામાં પણ વધારો થશે. પ્રાકૃતિક ખેતી અપનાવનારા જો બાયો-ઇનપુટ્સનો યુઝ કરશે તો પાકના આરોગ્યમાં સુધારો થવા સાથે જમીનના બંધારણમાં પણ સકારાત્મકતા વધે છે.