Western Times News

Gujarati News

તાલછાપર નેશનલ પાર્કમાં પક્ષીઓ અને બ્લેક બક્સ સૌથી વધારે પ્રમાણમાં જાેવા મળે છે

પક્ષીપ્રેમીઓ માટે તાલછાપર અભયારણ્ય સ્વર્ગસમાન છે. દેશ અને દુનિયામાંથી પક્ષીવિદ્દો શિયાળામાં આ અભયારણ્યની મુલાકાત લે છે

તાલછાપર નેશનલ પાર્ક રાજસ્થાનના ચુરુ જિલ્લાના છાપર શહેરની પાસે આવેલું છે. ૧૧ મે, ૧૯૬૬માં તેની સ્થાપના અભયારણ્ય તરીકે કરવામાં આવી હતી. આ અભયારણ્ય થાર રેગિસ્તાન અને પ્રસિદ્ધ શેખાવટી ક્ષેત્રમાં ફેલાયેલું છે. તાલછાપર નેશનલ પાર્કમાં અનેક વન્યજીવો જાેવા મળે છે. પહેલા આ જગ્યા બીકાનેરના પૂર્વવર્તી શાહી પરિવારના શિકાર માટે રિઝર્વ રાખવામાં આવી હતી. પછીથી તેને નેશનલ પાર્ક તરીકે જાહેર કરવામાં આવી અને પાર્ક સામાન્ય જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો. આ અભયારણ્યનું ક્ષેત્રફળ આશરે ૭.૧૯ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલું હોવાનું માનવામાં આવે છે. તાલછાપર નેશનલ પાર્કમાં જે તાલ શબ્દ છે તે રાજસ્થાની શબ્દ છે જેનો અર્થ સમતલ ભૂમિ એવો થાય છે. આ અભયારણ્યમાં સમતલ ભૂમિ જાેવા મળે છે. આ ઉપરાંત આ ક્ષેત્ર થોડું નીચાણવાળું છે. અહીં ખોરાકથી લઈને પાણીની પૂરતાં પ્રમાણમાં વ્યવસ્થા હોવાથી પ્રાણીઓ અને પક્ષીઓ માટે અનુકુળ છે.

આ અભયારણ્યમાં આશરે ૪,૦૦૦ બ્લેક બકસ એટલે કે કાળાં હરણ હોવાનું માનવામાં આવે છે. રેપ્ટર્સની ૪૦થી વધારે પ્રજાતિઓ અને અન્ય જંગલી જાનવરોનું હેબિટેટ છે. બ્લેક બકસ ઘાસના મેદાનોમાં સૌથી વધારે જાેવા મળે છે. અહીં ઘાસના મેદાનોવિપુલ પ્રમાણમાં આવેલા હોવાથી ભારતમાં બ્લેક બકસની સંખ્યા સૌથી વધારે આ અભયારણ્યમાં હોવાનું અનુમાન લગાવવામાં આવે છે. બ્લેક બકસને ઘાસના મેદાનનું પ્રતીક માનવામાં આવે છે. ચિત્તા પછી દુનિયામાં બીજું સૌથી ઝડપી દોડનાર પ્રાણીમાં બ્લેક બકસનો સમાવેશ થાય છે.

આ નેશનલ પાર્કમાં પૂરતા પ્રમાણમાં ભોજન મળતું હોવાથી અહીં પ્રવાસી પક્ષીઓની આશરે ર૦૦ કરતા વધારે પ્રજાતિઓ જાેવા મળે છે. પ્રવાસી પક્ષીમાં હરિયર, ઇસ્ટર્ન ઈમ્પીરિયલ ઈગલ, ટોની ઈગલ, શોર્ટ ટોક ઈગલ, બ્લેક આઈબિસ, પેલ હેરિયર માર્શ હેરિયર, સ્પેરો હોક, લિટિલ ગ્રીન બી ઈટર, સ્કાઈલાકર્સ, બ્રાઉન કબૂતર, ફલેમિંગો અને ડેમોઈસેલ ક્રેન જેવા અનેક પક્ષીઓનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત સ્કાઈલાકર્સ, કેસ્ટેડ લોકર્સ, રિંગ કવ્સ અને બ્રાઉન ડવ્સ આખા વર્ષ દરમિયાન જાેવા મળે છે. આ અભયારણ્યમાં અમુક દુર્લભ પક્ષીઓની પ્રજાતિઓ પણ જાેવા મળે છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થતાં આ નેશનલ પાર્કમાં વિદેશી પક્ષીઓ આવવાનું શરૂ કરે છે તો આખો શિયાળો વિદેશી પક્ષીઓનો જમાવડો અહીં થાય છે. તાલછાપર અભયારણ્યમાં આવતા વિદેશી પક્ષીઓ મધ્ય એશિયા અને યુરોપથી આવે છે. ટૂંકમાં તાલછાપર અભયારણ્ય પક્ષીઓના કલરવથી ગુજતું રહે છે. જે લોકોને જાતજાતના અને ભાતભાતના પક્ષીઓ વિશે જાણવાનો અને જાેવાનો શો છે એવા પક્ષીપ્રેમીઓ માટે તાલછાપર અભયારણ્ય સ્વર્ગસમાન છે અને જાેવાલાયક પણ છે.

દેશ અને દુનિયામાંથી પક્ષીવિદો શિયાળાના સમયમાં તાલછાપર અભયારણ્યની મુલાકાત લે છે. પક્ષીઓને જાેવા માટે શિયાળાનો સમય બેસ્ટ છે. દેશી અને વિદેશી પક્ષીઓ માટે આ એક આદર્શ જગ્યા છે. એ દરમિયાન વિદેશી પક્ષીઓ પણ જાેવા મળતાં હોવાથી એ સમય દરમિયાન પ્રવાસીઓની સંખ્યા વધી જાય છે. તાલછાપર અભયારણ્યમાં એક ખાસ પ્રકારનું ઘાસ ઉગી નીકળે છે તેને સ્થાનીય ભાષામાં મોથિયા કહેવામાં આવે છે. એનો હિન્દીમાં અર્થ મોતી હોય છે. આ ઘાસના બીજ દેખાવમાં એકદમ મોતી જેવા હોય છે. કાળાં હરણથી લઈને પક્ષીઓનું મનગમતું ભોજન છે. મોથિયા પાસ સ્વાદમાં ગળપટ્ટુ હોવાથી અહીંના લોકો તેનો ઉપયોગ ભોજનમાં કરે છે. તાલછાપર અભયારણ્યની મુલાકાત લેવા માટે જીપ સફારી રોજ સવારે આઠથી પાંચ સુધી પ્રવાસીઓ માટે ખુલ્લી મુકવામાં આવે છે શિયાળાની ઋતુ તાલછાપર અભયારણ્યની મુલાકાત માટે બેસ્ટ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.