જરૂરિયાતમંદોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા બિસ્કીટ વિતરણ કરાયું
સોમનાથ જિલ્લામાં અવિરત વરસાદ અને પૂરની પરિસ્થિતિમાં લોકોની વહારે આવ્યું
સોમનાથ, ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ધોધમાર વરસાદથી સાવર્ત્રિક જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ આ કપરી પરિસ્થિતિમાં લોકોની વહારે આવ્યું છે. વરસાદ એટલો અચાનક અને તીવ્ર રીતે આવ્યો કે કોઈપણ પૂર્વ તૈયારીનો સમય મળવા પામ્યો ના હોય છતાં લોકો ભૂખ્યા ન રહે તેના માટે ટ્રસ્ટ દ્વારા બિસ્કિટ અને જિજ ના સ્વયંસેવકો દ્વારા બનેલ પુલાવ નું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ ટ્રસ્ટ વાત્સલ્યમયી અભિગમ સાથે કાર્ય કરી કપરી પરિસ્થિતિમાં લોકોને મદદ કરવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પડેલ પુષ્કળ વરસાદે સર્જેલી તારાજીને કારણે જેઓનું જીવન પ્રભાવિત થયું છે,
તેવા તમામ જરૂરિયાતમંદ લોકો માટે યુદ્ધના ધોરણે આહારની વ્યવસ્થાને પ્રાથમિકતા આપવા ટ્રસ્ટના સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ સાહેબ દ્વારા મળેલ માર્ગદર્શન અંતર્ગત શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મોટા જથ્થામાં બિસ્કીટ અને આર.એસ.એસ સ્વયંસેવકો દ્વારા તૈયાર કરાયેલ પુલાવ પોતાના વાહનોમાં ભરી સ્વયંસેવકો સાથે સમગ્ર વેરાવળ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાયાં હતાં ત્યાં સુધી પહોંચી વિતરણ શરૂ કર્યું છે.
શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા સાહિત ટ્રસ્ટ પરિવાર દ્વારા જરૂરિયાતમંદો સુધી પહોંચીને વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ કોઈપણ સંજાેગોમાં શ્રી સોમનાથ મહાદેવનો આશીર્વાદ અને શ્રી સોમનાથ ટ્રસ્ટનો સહકાર લોકોની સાથે છે તે આશ્વાસન આપવામાં આવ્યું હતું.
આ સાથે જ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા બુંદી અને ગાઠીયાનું પણ મોટી માત્રામાં નિર્માણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જે પણ જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવનાર છે. આ કપરી પરિસ્થિતિમાં લોકોને મદદ કરવા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા બનતી તમામ સહાયતા કરવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.