બિટકોઈન રોકાણ કરાવતો મહાઠગ અંકિત દિલ્હીથી પકડાયો
જલ્દીથી અમીર થવાની લાલચમાં લોકો બીટકોઈનમાં રોકાણ કરી રહ્યા છે અને ઠગાઈનો ભોગ બની રહ્યા છે
સુરત, સુરતમાં શરૂ થયેલું બિટકોઈનનું ભૂત હજુ લોકોના મનમાંથી ઉતર્યું નથી, અને તેને જ કારણે લોકો પોતાની મહેનતના લાખો રૂપિયા ગુમાવી રહ્યા છે. ત્યારે સુરત-બારડોલીના ૮૦ રોકાણકારોના સીમ્બા કોઈનમાં રોકાણ કરેલા ૨.૭૫ કરોડ ડૂબ્યા હતા.
આ ગુનામાં ઈકોસેલની ટીમે દિલ્હીથી ગુરુવારે અંકિત ચહર નામક ઠગને પકડી પાડયો છે. તે દિલ્હીમાં સોફટવેરની ઓફિસ ધરાવે છે અને પોતે એન્જિનિયર છે. જ્યારે સૂત્રધાર શશીકાંત અઢવ અને સંગ્મેશ બસપ્પા હરલાપુર હજુ પણ ફરાર છે.
સુરત શહેર પોલીસના ઇકોનોમિક્સ સેલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ત્રણ જેટલા ઠગાબાજાેની ટોળકીએ સુરતના રોકાણકારોને યુ.કે માં સીમ્બા કોઈનની કંપની બતાવી હતી. જેમાં રોકાણ કરવાથી લાખોના કરોડો રૂપિયા થઈ જશે તેમ કહ્યું હતું.
જેને કારણે લાલચમાં આવી અનેક રોકાણકારોએ પોતાની મહેનતના કરોડો રૂપિયા કોઈનમાં રોક્યા હતાં. જાેકે લોકો પાસેથી કરોડની રકમ લઈ આ ટોળકી નાસી ગઈ છે. લેભાગુ ટોળકીએ વેબસાઇટ અને કંપની બંધ કરી ફરાર થતાં લોકોને રડવાનો વારો આવ્યો છે.
ચીટર ટોળકીએ સુરત રેલવે સ્ટેશન પાસેની બે હોટેલમાં સીમ્બા કોઈન બાબતે સ્કીમો સમજાવી હતી. સીમ્બા કોઈનમાં રોકાણ કરાવી ઠગ ટોળકીએ ડેઇલી વળતર આપવાની લાલચ આપી હતી. એટલું જ નહિ ઠગ ટોળકીએ ગોવા ખાતે ઈવેન્ટ રાખી હતી. જેમાં સીમ્બા કોઈન લોન્ચ કરવામાં આવ્યો હતો. જેના માટે ૮૦ રોકાણકારો ગોવા પણ ગયા હતા.
સુરતમાં કતારગામ, વરાછા, મોટા વરાછા, કાપોદ્રામાં રહેતા યુવકોએ સીમ્બા કોઇનમાં રોકાણ કર્યું હતું. જેમના રૂપિયા હવે ડૂબી ગયા છે. આ વિશે સુરત પોલીસના ઈકો સેલના એસપી વીકે પરમારે જણાવ્યુ કે, સુરતમાં છેલ્લા અનેક વર્ષોમાં બીટ કોઈના નામે લોકોના કરોડો રૂપિયા લઈ ઠગબાજાે નાસી ગયા હતા. કેટલાક કિસ્સામાં કિસ્સામાં પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. તેમ છતાં જલ્દીથી અમીર થવાની લાલચમાં લોકો બીટકોનમાં રોકાણ કરી રહ્યા છે અને ખેતરપિંડીનો ભોગ બની રહ્યા છે.