બીજે મેડિકલ કોલેજની મહિલા ડોક્ટર્સને માર્શલ આર્ટની ટ્રેનિંગ અપાઈ
(એજન્સી)અમદાવાદ, કલકત્તાની મેડિકલ કોલેજમાં જુનિયર ડોકટર પર બનેલી બળાત્કાર અને હત્યાની ઘટનાને લઈને દેશભરના તબીબો વિરોધ કરી રહ્યા છે ત્યારે અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં વિરોધના ચોથા દિવસે મહિલા ડોક્ટર્સને સેલ્ફ ડિફેન્સની અને માર્શલ આર્ટની ટ્રેનિંગ આપવામાં આવી.
આ સાથે જ છેલ્લા ચાર દિવસથી વિરોધના પગલે ડોક્ટર્સને સુરક્ષા પૂરી પાડવાની માંગને લઈને બીજે મેડિકલ કોલેજમાં પોલીસ ચોકી બનાવવામાં આવી છે. જ્યાં સી ટીમ તૈનાત કરવામાં આવી છે.
કલકત્તાની ઘટનાના વિરોધમાં એશિયાની નંબર વન ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસની બી.જે. મેડિકલ કોલેજના જુનિયર ડોકટરઓ ઓપીડી સેવાથી અળગા રહી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ડોક્ટર્સ દ્વારા ચાર દિવસથી હડતાળ કરી છે અને પીડિતાને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી રહી છે. વિરોધના ચોથા દિવસે બી.જે.મેડિકલ કોલેજની જુનિયર ડોકટર માટે માર્શલ આર્ટની ટ્રેનિંગ અને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવી છે.
માર્શલ આર્ટના ઋષિરાજ જયસ્વાલએ ડોક્ટર્સને ફીટ રહેવાની સાથે સાથે સ્વ બચાવની અલગ અલગ ટેકનિક શીખવી છે. ડો. મહિમા રામીએ જણાવ્યું કે કલકતામાં ઘટના બની તે જોતાં ડોક્ટર્સને સેલ્ફ ડિફેન્સની તાલીમની જરૂર છે. આ ઘટના બાદ ચાર દિવસથી ડોક્ટર્સ પ્રોટેસ્ટ કરી ડોક્ટર્સને રક્ષણ પૂરું પાડવાની માંગ કરી છે. જેના પગલે બીજે મેડિકલ કોલેજમાં પોલીસ ચોકી શરૂ કરવામાં આવી છે.
આ સાથે જ સી ટીમને પણ તૈનાત કરવામાં આવી છે. એટલું જ નહીં રાત્રિ દરમિયાન કોલેજમાં અને અહી આસપાસ રાઉન્ડ ધ કલોક પોલીસનું પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કોલેજ પ્રશાસન દ્વારા પણ સીસીટીવી અને સુરક્ષા કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી મહિલાઓ પર અત્યાચાર અને બળાત્કારની ઘટના વધી રહી છે તેવામાં મહિલાઓએ સેલ્ફ ડિફેન્સની તાલીમ લેવી જરૂરી બની ગયું છે.