Western Times News

Gujarati News

ઘણા લોકો ભાજપનું કામ પચાવી શક્યા નથીઃ આજે સામાન્ય લોકો ભાજપની ઢાલ બનીને ઊભા છેઃ વડાપ્રધાન

હનુમાનજી ભાજપના પ્રેરણામૂર્તિઃ મોદી

નવી દિલ્હી, આજે ભાજપનો ૪૪મો સ્થાપના દિવસ છે. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું, ‘હું એવા મહાન લોકોના કાર્યકરો અને નેતાઓને નમન કરું છું

જેમણે આજ સુધી પાર્ટીને પોષણ આપ્યું, સમૃદ્ધ કર્યું અને સશક્ત કર્યું.’ ભાજપની રચના ૪૩ વર્ષ પહેલાં ૬ એપ્રિલ ૧૯૮૦ના રોજ થઈ હતી.

તેમણે કહ્યું, ‘આજે આપણે દેશના ખૂણે ખૂણે ભગવાન હનુમાનજીની જન્મજયંતીની ઉજવણી કરી રહ્યા છીએ. બજરંગબલીના નામનો પોકાર સર્વત્ર ગુંજી રહ્યો છે. હનુમાનજીનું જીવન અને ઘટનાઓ આજે પણ ભારતના વિકાસની યાત્રામાં આપણને પ્રેરણા આપે છે. મહાન શક્તિના આશીર્વાદ આપણી સફળતાઓમાં પ્રતિબિંબિત થાય છે.’

 

‘હનુમાનજીમાં અસીમ શક્તિ છે, તેઓ એ શક્તિનો ઉપયોગ ત્યારે જ કરી શકે છે જ્યારે તેમની આત્મશંકા સમાપ્ત થઈ જાય. ૨૦૧૪ પહેલાં ભારતમાં પણ આવી જ સ્થિતિ હતી. ભારતને હવે બજરંગબલી જેવી પોતાની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓનો અહેસાસ થયો છે. ભાજપના કાર્યકરો અને પાર્ટી હનુમાનજીના આવા ગુણોમાંથી પ્રેરણા લે છે.

‘હનુમાનજી બધું જ કરી શકે છે, દરેક માટે કરે છે, પરંતુ પોતાના માટે કંઈ કરતા નથી. આ ભાજપની પ્રેરણા છે. જ્યારે હનુમાનજીને રાક્ષસોનો સામનો કરવો પડ્યો ત્યારે તેઓ કઠોર બની ગયા. જ્યારે ભ્રષ્ટાચાર, પરિવારવાદ, કાયદો અને વ્યવસ્થાની વાત આવે છે, ત્યારે ભાજપ મા ભારતીને મુક્ત કરવા માટે સમાન રીતે સંકલ્પબદ્ધ બને છે.

જાે આપણે હનુમાનજીના સમગ્ર જીવન પર નજર કરીએ તો, દરેક પ્રકારની સફળતામાં તેમની અંદર કેન ડુ વલણ અને નિશ્ચય શક્તિનો મોટો ભાગ છે. દુનિયામાં કયું કામ મુશ્કેલ છે, જે તમારાથી થતું નથી. એવું કોઈ કામ નથી જે હનુમાન ન કરી શકે. લક્ષ્મણ જ્યારે મુશ્કેલીમાં હતા ત્યારે હનુમાન સંજીવની પર્વત લઈને આવ્યા હતા. જનતાના પ્રશ્નોના નિરાકરણ માટે ભાજપ પણ આવા પ્રયાસો કરતું આવ્યું છે, કરતો રહેશે. રામ કાજ કિન્હે બિનુ મોહી, કહાં વિશ્રામ.

 

જ્યારે તેઓ અમારી મજાક ઉડાવીને સફળ ન થયા ત્યારે સામ્રાજ્યવાદી માનસિકતા ધરાવતા લોકોમાં નફરત વધી ગઈ. દાયકાઓથી હિંસાનો સામનો કરી રહેલા કાશ્મીર અને નોર્થ ઈસ્ટમાં શાંતિનો સૂરજ ઊગશે એવું તેણે વિચાર્યું ન હતું. તેમણે કલ્પના પણ નહોતી કરી કે કલમ ૩૭૦ ઇતિહાસ બની જશે. જે કામો દાયકાઓથી થયાં ન હતાં, તે ભાજપ કેવી રીતે કરી રહી છે, તે પચતું નથી.

‘નફરતથી ભરેલા આ લોકો જૂઠું બોલી રહ્યા છે. તેમનાં ભ્રષ્ટ કાર્યોને ખુલ્લાં જાેઈને તેઓ બેચેન અને નિરાશાથી ભરાઈ જાય છે. તેથી તેઓ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે મોદીની કબર ખોદાશે. તેઓ કબરો ખોદવાની ધમકી આપી રહ્યા છે.

સામ્રાજ્યવાદી માનસિકતા ધરાવતા આ લોકો અને પક્ષો એક વાત જાણતા નથી. આજે દેશના ગરીબો, સામાન્ય માણસો, યુવાનો, માતાઓ-બહેનો, શોષિત-વંચિતો દરેક ભાજપના કમળને બચાવવા ઢાલ બનીને ઊભા છે. પરંતુ અમારો ભાર વિકાસ, દેશવાસીઓના કલ્યાણ પર છે.

ભાજપને ૨૧મી સદીના ભવિષ્યનો પક્ષ બનાવવો પડશે. વધુ પડતા આત્મવિશ્વાસનો શિકાર ન બનો. લોકો પહેલેથી જ કહી રહ્યા છે કે ૨૦૨૪માં ભાજપને કોઈ હરાવી શકશે નહીં. આ વાત સાચી છે, પરંતુ ભાજપના કાર્યકર તરીકે આપણે દરેક નાગરિકના દિલ જીતવાના છે. દરેક ચૂંટણી એ જ ખંતથી લડવાની હોય છે જે રીતે આપણે ૮૦ના દાયકાથી લડતા આવ્યા છીએ.

આ પહેલાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સવારે દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે પાર્ટીનો ધ્વજ ફરકાવ્યો હતો. લખનૌમાં પણ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પાર્ટી કાર્યાલય પર ધ્વજ ફરકાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.