Western Times News

Gujarati News

BJP સાથે કથિત સંકળાયેલા આગેવાનો સામે શું કોંગી હાઈકમાન્ડ પગલા લેશે ?

કોંગ્રેસના કાર્યકરોમાં અંદરખાને ગણગણાટ શરૂ થઈ ગયો છે અને હાઈકમાન્ડ કયારે પગલાં લેશે?

કોંગ્રેસના કાર્યકરોમાંં ચર્ચા, જમીની આગેવાનો-કાર્યકરોને કામ સોંપાય તેવો સંનિષ્ઠ આગેવાનોનો સૂર

(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીએ કવાયત હાથ ધરી છે. થોડા સમય પહેલા તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસમાં ભાજપ સાથે આડકતરી રીતે સંકળાયેલા મનાતા ૩૦ થી ૪૦ આગેવાનોને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવશે.

પરંતુ કોંગ્રેસના સંનિષ્ઠ આગેવાનો અંદરખાને સવાલ કરી રહયા છે કે શું રાહુલ ગાંધી આ પ્રકારનો નિર્ણય કરી શકશે ખરા ? આ અગાઉ પણ તેમણે દાવાઓ કર્યા હતા પરંતુ તેનો અમલ થયો નથી.

કોંગ્રેસ માટે સૌથી મોટી વાત એ છે કે પક્ષમાંથી ખાસ્સી એવી સંખ્યામાં યુવા નેતાઓ પક્ષ છોડીને ગયા છે ત્યારે જે ‘બેસ’ ઉભો કરવો જોઈતો હતો તે થયો નથી પ્રજાની વચ્ચે જઈ શકે અને જેનું માનસન્માન જળવાતુ હોય તે પ્રકારના યુવાનોને નેતૃત્વ આપવુ જોઈએ તે પ્રકારની ચર્ચા પણ અંદરખાને કાર્યકરો કરી રહયા છે. કોંગ્રેસમાંથી ભાજપ સાથે કથિત સંકળાયેલા મનાતા આગેવાનોને દૂર કરવાની વાતને લઈને પક્ષની અંદર કાર્યકરોમાં ભારે ઉત્સુકતા જગાવી છે.

કેટલાક કાર્યકરોના જણાવ્યા પ્રમાણે ભાજપ સાથે કથિત રીતે સંકળાયેલા આગેવાનોને દૂર કરાય તો ગ્રાઉન્ડ લેવલના પ્રજા સાથે સીધા જોડાયેલા અગ્રણીઓને કામ કરવાની તક મળશે. જે આગેવાનો થોડા ઘણા કાર્યકરોને લઈને પ્રજાના પ્રશ્નોને વાચા આપવા રસ્તા પર આવે છે તેવા આગેવાનોને તક મળવી જરૂરી છે તે પ્રકારના સૂર વ્યકત થઈ રહયા છે.

કોંગ્રેસ હાઈકમાન્ડ રાજયમાં સંગઠનને બેઠુ કરવા માંગે છે અને તેના માટે પ્રયાસો આગામી દિવસોમાં હાથ ધરાય તેવી શકયતાઓ છે. સંગઠનને બેઠુ કરવુ હોય તો જમીન પર કામ કરતા આગેવાનો, કાર્યકરોને પ્રમોટ કરવાની દિશા તરફ આગળ વધવામાં આવે તેમ મનાય છે.

કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીના નિવેદનને લઈને કોંગ્રેસના કાર્યકરોમાં અંદરખાને ગણગણાટ શરૂ થઈ ગયો છે અને કોંગ્રેસ હાઈકમાન્ડ કયારે પગલાં લેશે તેને લઈને ચર્ચા – વિચારણા શરૂ થઈ ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.