ભાજપ પહેલા ડર ફેલાવે છે, પછી તેને હિંસામાં ફેરવી નાખે છેઃ રાહુલ ગાંધી

(એજન્સી)બુરહાનપુર, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ‘ભારત જાેડો યાત્રા’ મહારાષ્ટ્રમાંથી પસાર થયા બાદ ‘દક્ષિણના દ્વાર’ તરીકે ઓળખાતા બુરહાનપુર જિલ્લાના બોદરલી ગામમાંથી નિર્ધારિત સમય કરતાં એક કલાક મોડી મધ્યપ્રદેશમાં પ્રવેશી હતી. આગામી ૧૧ દિવસમાં આ યાત્રા મધ્યપ્રદેશના ૭ જિલ્લામાંથી પસાર થશે. બુરહાનપુરના મોટા ભાગમાં કેળાની ખેતી થાય છે અને તે પાવરલૂમ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર પણ છે. આજે બપોરે રાહુલ ગાંધી કેળાના ખેડૂતો અને પાવરલૂમ કામદારો સાથે વાતચીત કરશે.
મધ્યપ્રદેશમાં ‘ભારત જાેડો યાત્રા’ની શરૂઆત કરતા રાહુલ ગાંધીએ સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ પહેલા યુવાનો, ખેડૂતો અને મજૂરોના દિલમાં ડર ફેલાવે છે અને પછી તેને હિંસામાં ફેરવી નાખે છે. રાહુલે ગામના સભાસ્થળ પર મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના કોંગ્રેસ યુનિટો વચ્ચે ત્રિરંગો સોંપ્યા બાદ મધ્યપ્રદેશમાં ૧૨ દિવસીય યાત્રાનો ઔપચારિક પ્રારંભ કર્યો. આ પ્રસંગે મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલે, મધ્ય પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ કમલનાથ, પૂર્વ કેન્દ્રીય મંત્રી દિગ્વિજય સિંહ અને પક્ષના અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર હતા.
રાહુલે સભામાં કહ્યું કે તેમની યાત્રા દેશમાં ફેલાવવામાં આવતી નફરત, હિંસા અને ડરની વિરુદ્ધ છે. સાથે જ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે બેરોજગારી અને મોંઘવારી મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી. તેમણે કહ્યું, ભાજપ સૌથી પહેલા યુવાનો, ખેડૂતો અને મજૂરોના હૃદયમાં ડર ફેલાવે છે અને જ્યારે આ ડર સારી રીતે ફેલાઈ જાય છે, ત્યારે તે આને હિંસામાં ફેરવી નાખે છે.
ભાજપને એક રીતે પડકારતાં રાહુલે કહ્યું, અમે કન્યાકુમારીથી હાથમાં ત્રિરંગો લઈને ‘ભારત જાેડો યાત્રા’ શરૂ કરી હતી. આ ત્રિરંગાને શ્રીનગર પહોંચતા કોઈ રોકી શકશે નહીં. તેમણે દાવો કર્યો હતો કે દેશના ઉદ્યોગ, એરપોર્ટ અને બંદરો માત્ર ત્રણ-ચાર ઉદ્યોગપતિઓના હાથમાં છે અને હવે રેલવે પણ તેમના હાથમાં જવાનું છે. રાહુલે કહ્યું, આ અન્યાયનું ભારત છે. અમને એવું ભારત નથી જાેઈતું. ગરીબોને ન્યાય જાેઈએ છે.
તેમણે એમ પણ કહ્યું કે મોંઘા પેટ્રોલ અને રાંધણગેસ માટે સામાન્ય માણસના ખિસ્સામાંથી જે પૈસા નીકળે છે તે આ ત્રણ-ચાર ઉદ્યોગપતિઓના ખિસ્સામાં જાય છે. રાહુલે રૂદ્ર નામના પાંચ વર્ષના છોકરાને સભાના સ્ટેજ પર બોલાવ્યો, જેણે કહ્યું કે તે મોટો થઈને ડોક્ટર બનવા માંગે છે. સરકાર પર શિક્ષણનું ખાનગીકરણ કરવાનો આરોપ લગાવતા પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, આજના ભારતમાં રુદ્રના ડોક્ટર બનવાનું સપનું પૂરું થઈ શકે તેમ નથી કારણ કે તેના માતા-પિતાને ખાનગી મેડિકલ કોલેજમાં ભણવા માટે કરોડો રૂપિયા ચૂકવવા પડશે. ફી ન ભરી શકવાને કારણે તેણે મજૂરી કરવી પડશે.
રાહુલની આગેવાની હેઠળની આ પદયાત્રા ૪ ડિસેમ્બરે રાજસ્થાનમાં પ્રવેશતા પહેલા ૧૨ દિવસમાં પશ્ચિમ મધ્ય પ્રદેશના માલવા-નિમાર વિસ્તારમાંથી પસાર થશે. નોંધપાત્ર વાત એ છે કે, આ ખેડૂત પ્રભુત્વવાળા વિસ્તારમાં ૨૦૧૮ની વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસે ભાજપ પર નોંધપાત્ર લીડ મેળવી હતી અને કમલનાથના નેતૃત્વમાં રાજ્યમાં પાર્ટીની સરકાર રચાઈ હતી. જાે કે, જ્યોતિરાદિત્ય સિંધિયાના આશ્રય હેઠળ વિધાનસભામાંથી કોંગ્રેસના ૨૨ બળવાખોર ધારાસભ્યોના રાજીનામા અને ભાજપમાં જાેડાવાના કારણે ૨૦ માર્ચ, ૨૦૨૦ના રોજ તત્કાલીન કમલનાથ સરકાર પડી ભાંગી હતી.
કમલનાથ સરકારના પતન પછી, ભાજપ શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં ૨૩ માર્ચ, ૨૦૨૦ ના રોજ રાજ્યમાં સત્તામાં પાછા ફર્યા હતા.દરમિયાન મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો બોદરલી ગામે પ્રભાતફેરી સ્વરૂપે ત્રિરંગા ઝંડા લહેરાવી યાત્રામાં જાેડાયા હતા. આશરે ૬,૦૦૦ની વસ્તી ધરાવતા આ ગામમાં યાત્રાના સ્વાગત સભાસ્થળને કેળાના પાનથી ખાસ શણગારવામાં આવ્યું હતું, કારણ કે આ વિસ્તાર કેળાની ખેતીનો ગઢ છે.