રાહુલ ગાંધી વિયેતનામના પ્રવાસે જતાં ભાજપના પ્રહારો
નવી દિલ્હી, કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી હાલ વિયેતનામના પ્રવાસે પહોંચ્યા છે. હવે આ મામલે ભાજપે તેમના પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપે રાહુલ ગાંધી પર નિશાન તાકીને કહ્યું કે, ‘‘એક તરફ દેશ મનમોહન સિંઘના અવસાન પર શોક મનાવી રહ્યો છે.
બીજી તરફ રાહુલ ગાંધી નવું વર્ષ મનાવવા માટે વિયેટનામ ઉપડી ગયા છે.’’આ પહેલાં, ભાજપે મનમોહન સિંઘના અસ્થિ વિસર્જનમાં કોંગ્રેસ અને ગાંધી પરિવારનો કોઈ સભ્ય નહીં પહોંચવા પર નિશાન તાક્યું હતું. જોકે, પાછળથી કોંગ્રેસે સ્પષ્ટતા કરી હતી કે આ પગલું મનમોહન સિંઘના પરિવારની પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને ભરાયું હતું.
ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયે એક્સ પર એક પોસ્ટ કરીને લખ્યું કે, ‘‘આખો દેશ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘના અવસાન પર દુખમાં ડુબેલો છે. જ્યારે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી નવા વર્ષનું સ્વાગત કરવા માટે વિયતનામ જઈ રહ્યા છે.’’
માલવીયે રાહુલ ગાંધી પર પૂર્વ વડાપ્રધાનના અવસાન પર રાજકારણ રમવું અને તેના પર ફાયદો ઉઠાવવાનો આક્ષેપ કર્યાે હતો. તેમણે ઉમેર્યું કે ગાંધી પરિવાર અને કોંગ્રેસ શીખોને નફરત કરે છે. એ ન ભૂલો કે ઈન્દિરા ગાંધીએ દરબાર સાહિબનું અપમાન કર્યું હતું.
આ દરમિયાન કોંગ્રેસે પણ ભાજપના આક્ષેપોનો જવાબ આપ્યો છે. કોંગ્રેસે કહ્યું છે કે રાહુલ ગાંધીની વિદેશ યાત્રા એક અંગત યાત્રા છે અને કોઈને તેનાથી સમસ્યા હોવી જોઈએ.
કોંગ્રેસ સાંસદ મણિકમ ટૈગોરે કહ્યું કે ભાજપ ક્યાં સુધી વિભાજનકારી રાજનીતિ કરશે. જે રીતે મોદીએ ડો.મનમોહનસિંહ સાહેબના અગ્નિ સંસ્કાર માટે યમુના કિનારે જગ્યા આપવાની ના પાડી દીધી અને જે રીતે મોદી સરકારના મંત્રીઓએ મનમોહનસિંહના પરિવારજનોને ઘેરી લીધા, એ ખૂબ શરમજનક છે.
જો રાહુલ ગાંધી અંગત યાત્રા પર છે તો તમે(ભાજપ) કેમ પરેશાન છો ? આ સાથે કોંગ્રેસ સાંસદે ભાજપને સુધરી જવાની સલાહ પણ આપી છે.SS1MS