ભાજપ ૧૦૦ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરવાની તૈયારીમાં
નવી દિલ્હી, દેશભરમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે અને સૌની નજર હવે લોકસભાના ઈલેક્શન પર છે. આ દરમિયાન ભાજપે પૂરજોશથી પ્રચાર શરૂ કરી દીધો છે અને ઘણી બેઠકો પર ઉમેદવારોના નામ પણ નક્કી કરી રાખ્યા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફેબ્રુઆરીના અંત સુધીમાં ભાજપ લગભગ ૧૦૦ ઉમેદવારોની યાદી જાહેર કરશે. એટલે કે એક સપ્તાહની અંદર આટલા ઉમેદવારો નક્કી થઈ જવાના છે. ઘણા વિપક્ષો પણ સ્વીકારે છે કે ભાજપ એક ઈલેક્શન મશીન છે અને આગામી ચૂંટણીઓ માટે તે હંમેશા બીજા કરતાં વહેલી તૈયારી શરૂ કરી દે છે.
વિરોધપક્ષો હજુ ગઠબંધન અંગે નિર્ણય લઈ શક્યા નથી ત્યારે ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી માટે નામ પણ નક્કી કરી લીધા છે. તેમાં કેટલાક કેન્દ્રિય મંત્રીઓના નામ હશે તેવું માનવામાં આવે છે. આ નામો માટે પાર્ટીની ચૂંટણી સમિતિની મંજૂરી માટે રાહ જોવાય છે.
ઉમેદવારોની પ્રથમ યાદીમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને તમિલનાડુ જેવા રાજ્યોની કેટલીક બેઠકો સામેલ હશે. આ એવી બેઠકો છે જેને નબળી ગણવામાં આવે છે અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપ આ બેઠકો પર જીત્યો ન હતો.
છેલ્લે ૧૧ એપ્રિલ ૨૦૧૯થી ૧૯ મે ૨૦૧૯ સુધી સાત તબક્કામાં લોકસભાની ચૂંટણીઓ થઈ હતી જેમાં ભાજપને ૩૦૩ બેઠકકો મળી હતી. તે વખતે ભાજપને ૩૭ ટકા વોટ મળ્યા હતા જે તેના માટે એક રેકોર્ડ હતો. ૧૯૮૯ પછી કોઈ પણ રાજકીય પક્ષને આટલો બધો વોટશેર મળ્યો ન હતો.
ભાજપની આગેવાની હેઠળ એનડીએને કુલ ૩૫૩ સીટ મળી હતી. તેમાં કોંગ્રેસ માત્ર ૫૨ સીટ જીતી શકી હતી અને સમગ્ર કોંગ્રેસની આગેવાની હેઠળ યુપીએને ૯૧ બેઠકો મળી હતી. આ વખતે વિરોધપક્ષોએ ઈન્ડિયા નામે ગઠબંધન બનાવ્યું છે.
૨૦૨૪ની ચૂંટણીમાં ૨૦૧૯ના રેકોર્ડ તોડવા માટે ભાજપ પૂરી તાકાતથી પ્રયાસ કરી રહ્યો છે. અગાઉની ચૂંટણીમાં જે બેઠકો પર નબળો દેખાવ હતો ત્યાં વિજય મેળવવા માટે ભાજપે રણનીતિ ઘડી છે જેના માટે ૧૬૦ બેઠકો નક્કી કરવામાં આવી છે. ૨૯ ફેબ્રુઆરીએ ભાજપની ચૂંટણી પેનલની બેઠક મળશે જેમાં ઉમેદવારોના નામની જાહેરાત થવાની શક્યતા છે.
તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપે નબળી બેઠકો પર ઉમેદવારોના નામ વહેલાસર જાહેર કરી દીધા હતા અને આ સ્ટ્રેટેજી કામયાબ રહી હતી. નરેન્દ્ર મોદી બે વખત વડાપ્રધાન બની ચૂક્યા છે અને હવે તેઓ ત્રીજી ટર્મ માટે મેદાનમાં ઉતરશે.
ભારતના ઈતિહાસમાં માત્ર જવાહરલાર નહેરુ એવા વડાપ્રધાન હતા જે સળંગ ત્રણ ટર્મ માટે ચૂંટાયા હતા. નહેરુ ૧૬ વર્ષ માટે ભારતના વડાપ્રધાન રહ્યા હતા પરંતુ તેમની ત્રીજી ટર્મ પૂરી થાય તે અગાઉ ૧૯૬૪માં તેમનું અવસાન થયું હતું.SS1MS