ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનો નડીઆદમાં વિશાળ રોડ-શો યોજાયો
(પ્રતિનિધિ) નડીઆદનડીઆદ શહેરમાં આજે ઢળતી સંધ્યા પૂર્વે ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનો રોડ-શો યોજાયો હતો. શહેરના રેલવે સ્ટેશનથી આરંભાયેલ આ રોડ-શોમાં ભાજપના ઉમેદવાર પંકજભાઇ દેસાઇ અને જે.પી.નડ્ડા ઉપર થયેલ ગુલાબની પાંખડીઓની વર્ષાથી શહેરના રાજમાર્ગો છવાઇ ગયા હતા.
આ રોડ-શોમાં નડીઆદ અને કણજરી શહેર સહીત ૧૩ ગામના સરપંચ સહીત પ્રજાજનો ભારે સંખ્યામાં ઉમટી પડયા હતા જેના પરીણામે એક સમયે પોલીસને પણ ભારે આશ્ચર્ય સર્જાયુ હતું અને વધુ પોલીસ કુમુક પણ મંગાવી લીધી હતી.
બીજા તબકકાની ચૂંટણી પ્રચારના અંતિમ દિવસો ચાલી રહયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દવારા દરેક ઉમેદવારને ૫૦ હજારથી વધુ મતે જીતાડવાના શુભસંકલ્પ સાથે તમામ રાષ્ટ્રિય નેતાઓ ઝંઝાવાતી પ્રચાર કરી રહયા છે. જેના ભાગ સ્વરૂપે આજે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનો રોડ-શો યોજાયો હતો
તેઓએ રોડ-શો પૂર્વે અખંડ ભારતના શિલ્પી અને લોખંડી નેતા સરદાર વલ્લભભાઇ પટેલના જન્મસ્થાનની પણ મુલાકાત લઇને સરદાર પટેલ સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી હતી ત્યારબાદ તેઓએ ભાજપના નડીઆદ ખાતેના કાર્યાલય કમલમની પણ મુલાકાત લઇને સૌ ભાજપના ખેડા અને આણંદ જીલ્લા અપેક્ષીત અગ્રણીઓ સાથે બેઠક પણ કરીને ચૂંટણીના માહોલની જાણકારી મેળવી હતી.
નડીઆદ શહેરના સંતરામ મંદિરથી આરંભાયેલા રોડ-શોમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે નડીઆદના લોકપ્રિય ઉમેદવાર, વિધાનસભાના મુખ્યદંડક અને પ્રજાપ્રેમી ધારાસભ્ય પંકજભાઇ દેસાઇ, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફીયા, જીલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઇ પટેલ, પ્રદેશમંત્રી જહાન્વીબેન વ્યાસ, નગર પ્રથમા રંજનબેન વાઘેલા પણ રથમાં બિરાજેલા હતા,
રોડ-શોના માર્ગમાં આવતા ધાબા, અગાસી અને દુકાનોમાંથી આ રથ ઉપર ચોમેરથી પુષ્પવર્ષા થતી જાેઇને અધ્યક્ષ જે.પી.નડ્ડા અભિભૂત થઇ ગયા હતા અને નાનકડા નગરમાં પંકજભાઇ દેસાઇની અપ્રિતમ લોકચાહનાથી તમારો વિજય સુનિશ્ચિત છે તેવા શુભાશિર્વાદ પાઠવ્યા હતા.
રેલીના અંતે તેઓએ વિશ્વપ્રસિધ્ધ સંતરામ મંદિરની ગાદીના દર્શન અને ૫.પૂજય રામદાસજી મહારાજના આર્શીવાદ પણ મેળવ્યા હતા.