ભાજપના ધારાસભ્ય પ્રયાગરાજમાં નિર્મલ અખાડાના મહામંડલેશ્વર બન્યાં

પિંડદાન બાદ સંતોની હાજરીમાં પટ્ટાભિષેક -સાધુ-સંતોએ ચાદર ઉઠાવીને પ્રવક્તાનંદને આશીર્વાદ આપ્યા હતા ઃ જૂના અખાડાએ પણ ૯ સંતોને મહામંડલેશ્વર બનાવ્યા
પ્રયાગરાજ, સંગમ નગરી પ્રયાગરાજમાં ચાલ રહેલા મહાકુંભમાં અખાડા પોત-પોતાના મહામંડલેશ્વર અને મહંત બનાવી રહ્યા છે. ત્યારે હવે આ યાદીમાં પીલીભીત જિલ્લાની બરખેડા વિધાનસભાથી ભાજપના ધારાસભ્ય સ્વામી પ્રવક્તાનંદનું નામ પણ જોડાઈ ગયું છે.
નિર્મલ અખાડાએ પ્રવક્તાનંદને પોતાના મહામંડલેશ્વર બનાવ્યા છે. પિંડદાન બાદ સંતોની હાજરીમાં પટ્ટાભિષેક કરવામાં આવ્યો છે. તમામ સાધુ-સંતોએ ચાદર ઉઠાવીને પ્રવક્તાનંદને આશીર્વાદ આપ્યા છે. આ ઉપરાંત સૌથી જૂના અખાડાએ પણ ૯ સંતોને મહામંડલેશ્વર બનાવ્યા છે.
અક્રિયધામ ખમરિયા પીલીભીતના પીઠાધીશ્વર સ્વામી પ્રવક્તા વર્ષ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં બરખેડા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને ૨૦૦૩માં તેમના ગુરુ સ્વામી અલકનંદાએ તેમને દીક્ષા અપાવી હતી, ત્યારથી તેઓ સમાજ સેવાનું કાર્ય કરી રહ્યા છે. પ્રવક્તાનંદ બાળપણથી જ આ સંત પરંપરાનું પાલન કરી રહ્યા હતા. ત્યારે હવે રવિવારે નિર્મલ અખાડાએ તેમને મહામંડલેશ્વર બનાવી દીધા છે. બીજી તરફ સૌથી જૂના અખાડાએ પણ ૯ સંતોને મહામંડલેશ્વર બનાવ્યા છે અને તેમની ચાદરપોશી કરી છે.
જુનાપીઠાધીશ્વર આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરિ મહારાજે અખાડાના પ્રસાર અને વિસ્તાર માટે શ્રીપંચદશનામ જુના અખાડામાં સ્વામી વિશ્વેશ્વર ભારતી, સ્વામી અનંતાનન્ત આનંદવન ભારતી મહારાજ, સ્વામી બલરામ પુરી મહારાજ, સ્વામી આત્મવંદના ગિરિજી, સ્વામી વિષ્ણુ ગિરિ, સ્વામી ઋષિ ભારતી મહારાજ,
સ્વામી વિશ્વેશ્વરી માતા સ્વામી વીરેન્દ્ર ગિરિ અને સ્વામી મનોરમા ગિરિ મહારાજને પટ્ટાભિષેક સાથે મહામંડલેશ્વર પદ પર નિયુક્ત કરવામાં આવ્યા. તમામ સંતોએ મહામંડલેશ્વરોને આશીર્વાદ આપ્યા.