મહુધાના ભાજપના ધારાસભ્ય ખાણ ખનીજ વિભાગની ભ્રષ્ટાચારી નીતિ સામે નારાજ

પ્રતિકાત્મક
(પ્રતિનિધિ) નડિયાદ, મહુધા વિધાનસભા મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય સંજયસિંહ મહીડા એ પોતાના વિધાનસભા વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગની રહેમ નજર હેઠળ લાખો રૂપિયાની ખનીજ ચોરી થતી હોવાથી આવનારી સંકલન સમિતિમાં મૂકવા માટે જિલ્લા કલેકટરને લેખિતમાં જાણ કરી છે
અને આ બાબતે યોગ્ય કરવા માંગ પણ કરી છે મહુધા વિધાનસભા વિસ્તારના ભાજપના ધારાસભ્ય સંજયસિંહ મહીડાએ જિલ્લા કલેકટર માં સંકલનમાં લેવાના જે મુદ્દાઓની વાત કરી છે તે ખૂબ જ ગંભીર મુદ્દો છે ખુદ ભાજપના ધારાસભ્ય ભાજપ સરકારમાં ચાલતા ભ્રષ્ટાચાર ની વાત છતી કરી રહ્યા છે
તેમણે પોતાના વિસ્તારની આ ગંભીર સમસ્યા બાબતે કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે ખાણ-ખનીજ દ્વારા ખનન થતા ખનીજની ચકાસણી કરવામાં આવતી નથી અને અમો રજૂઆત કરીએ પછી ચકાસણી કરવા પ્રયત્ન કરે છે. જેનાથી કાયદેસરના ગુનેગારોને પોષણ મળે છે.
મરીડા ખાતે ગૌચરમાં ઘણી જ માટી લેવામાં આવી છે. જેની રજૂઆત કરવા છતાં આવા તત્વોને પકડવામાં આવતા નથી. જે માટીના ખોદાણ પરથી સાબિત થઇ રહેલ છે. ખેડા જીલ્લાના ખાણ-ખનીજ ખાતાના અધિકારીઓ આ અંગે દુર્લક્ષસેવી પરોક્ષ રીતે ગુનેગારોને મદદરૂપ થઇ રહેલ છે.
મારા મત વિસ્તારના સીલોડ ગામે નદીની રેત (મિશ્રિત માટી) અતિશય લેવામાં આવી રહી છે. જે અમો નજરે જાેઈ જાણ કરવા છતાં તેને કાયદેસર પકડવામાં આવતા નથી. નદીના ધોવાણ અને વહેણ બદલાતા ભવિષ્યમાં વધુ પાણીનું પૂર આવે તો હયાત ગામને નુકસાન થવાના સંભવો છે.
બેરોકટોક માટીના ડમ્પરો ચાલતા હોવા છતાં ખેડા જીલ્લાના જવાબદાર ખાણ-ખનીજ ખાતાના અધિકારીઓ તેને રોકવા માટે કાયદેસર ડીટેઇન કરવામાં નિષ્ફળ છે. અમારી રજૂઆત છતાં આ કૃત્ય બંધ થતું નથી. જેથી મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન દોરવામાં આવશે.
અગાઉ કેમિકલની ટેન્કરો રાત્રીના સમયે નદીમાં ઠાલવી જાહેર પ્રજાને શારીરિક રીતે નુકસાન પામવાની પ્રવૃત્તિને ડામવા જાણ કરવા છતાં રાત્રીના સમયે રેડ પાડવા જેવી ચકાસણી થતી નથી અને આ બાબતે મેં તા. ૦૧/૦૯/૨૦૨૩ ની રાત્રે ૦૩ ઃ ૦૦ કલાકના અરસામાં ટેલીફોનીક આવી પ્રવૃત્તિને જણાવવા પ્રયત્ન કરવા છતાં, ફોન ઉપાડેલ નથી કે કોઇ કાર્યવાહી કરેલ નથી.
સમગ્ર બાબતો જાેતા આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિ સામે ચકાસણી કરી પગલા લેવાને બદલે તેઓને તેવા કૃત્યને પ્રોત્સાહન મળે તેમ ચકાસણી કરવાના પ્રયત્નો કર્યાની અને કાંઇ બનાવ બનેલ નથી તેવા ઉડાઉ જવાબો અમોને મોકલેલ છે, જે સામે મારી ખાસ નારાજગી છે. યોગ્ય પગલા લેવા અમારી માગ છે