કાર્યકરોને સોશિયલ મીડિયા પર સક્રિય થવા ભાજપનો આદેશ
(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ રાજકીય પક્ષોએ શરૂ કરી દીધી છે. કોંગ્રેસે સિનિયર નેતાઓને વિવિધ વિસ્તારોની જવાબદારી સોંપી છે. બીજી બાજુ ભાજપે કાર્યકર્તાઓને સોશિયલ મીડિયા પર સક્રિય થવા આદેશ કર્યો છે.
કમલમ ખાતે પ્રદેશ પ્રમુખની હાજરીમાં સોશિયલ મીડિયા યુથ સમિટનું કમલમ કાર્યાલય ખાતે આયોજન કરાયું હતું.આ કાર્યક્રમમાં ભાજપની સોશિયલ મીડિયા ટીમના અંદાજે ૩ હજાર કાર્યકરો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભાજપે સરકારી યોજનાઓનો સોશિયલ મીડિયા પર પ્રચાર કરવા તેમજ પીએમ મોદીની ટિ્વટને રિટિ્વટ કરવાનો આદેશ કર્યો હતો.
આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખે કાર્યકર્તાઓને કહ્યું હતું કે, આપણે સોશિયલ મીડિયામાં કોઈ ખોટી કોમેટ કરે તો તેનો જવાબ આપવાનો છે. અમુક લોકો દેશ અને નાગરીકોને આપવા માટે કંઈ જ નહીં હોવાથી ખોટો પ્રચાર કરે છે. જેથી આવા લોકોને સોશિયલ મીડિયામાં જવાબ આપો
ત્યારે વધારે માહિતી લઈને જવાબ આપજાે જેથી તમારો કોઈ વિરોધ ના કરી શકે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આપણે સોશિયલ મીડિયામાં દાવાનળની જેમ ફેલાઈ જવાનું છે. તેમણે વંદેભારત ટ્રેનને લઈને કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, પહેલાં ટ્રેનોની હાલત ખૂબજ ખરાબ હતી
અને આજે સુવિધાઓ સાથે ટ્રેન સમયસર પહોંચી જાય છે. જે પીએમ મોદીને કારણે શક્ય બન્યું છે. પ્રદેશ પ્રમુખે કાર્યકરોને નમો એપ ખોલવા તેમજ સોશિયલ મીડિયા પર સક્રિય થવા આહ્વાન કર્યું હતું.