તારાપુર APMCમાં કેસરીયો લહેરાયો: આણંદની વધુ એક સહકારી સંસ્થામાં ભાજપ સત્તારૂઢ
(પ્રતિનિધિ)પેટલાદ, તારાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીની સામાન્ય ચૂંટણી માટે ગતરોજ મતદાન હાથ ધરાયું હતું. જેની મતગણતરી આજરોજ સવારે ૯ કલાકથી શરૂ થઈ હતી. જેમાં ખેડૂત વિભાગમાં ભાજપ અને કોંગ્રેસ સમર્થિત ઉમેદવારો વચ્ચે છેલ્લી ઘડી સુધી ભારે ખેંચતાણ જાેવા મળી હતી.
અંતે ખેડૂત વિભાગની દસ પૈકી ૭ બેઠકો ભાજપ પ્રેરિત પેનલને મળી હતી. જ્યારે કોંગ્રેસ સમર્થિત વિકાસ પેનલને ત્રણ બેઠકો પ્રાપ્ત થઈ હતી. જાે કે વેપારી વિભાગની તમામ ચાર બેઠકો ભાજપને મળતા તારાપુર બજાર સમિતીમાં ફરી એકવાર ભાજપ સત્તારૂઢ થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે જીલ્લામાં એક પછી એક સહકારી સંસ્થાઓમાં ભાજપ પગપેસારો કરી રહી હોવાનું સ્પષ્ટ જાેવા મળી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ તારાપુર એપીએમસીની સામાન્ય ચૂંટણી ૧૬ બેઠકો માટે જાહેર થઈ હતી. જેમાં સહકારી ખરીદ વેચાણ વિભાગની બે બેઠકો માટે ભાજપ પ્રેરિત બે જ ઉમેદવારી પત્રો ભરાતાં તેઓ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. જેમાં ઈંન્દ્રસિહ ખુમાનસિંહ પરમાર (કસ્બારા) અને મદારસંગ ભાવસંગજી શિણોલ (ગલીયાણા)નો સમાવેશ થયો હતો.
જેથી ત્યારબાદ ખેડૂત વિભાગની ૧૦ તથા વેપારી વિભાગની ૪ બેઠકો માટે આખરી યાદી પ્રસિદ્ધ થઈ હતી. જેનું મતદાન તા.૧૭ના રોજ થયું હતું. આજરોજ તારાપુર બજાર સમિતી ખાતે ચૂંટણી અધિકારી અને નાયબ નિયામક અભિષેક સુવાની ઉપસ્થિતીમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી.
જેથી સવારથી મતગણતરી સ્થળે તારાપુર તાલુકાના ખેડૂતો, વેપારીઓ, સહકારી આગેવાનો, ભાજપ – કોંગ્રેસના નેતાઓ, ઉમેદવારોના સમર્થકો વગેરે ઉમટી પડ્યા હતા. સૌપ્રથમ વેપારી વિભાગની મતગણતરી હાથ ધરવામાં આવતા જ પૈકી ચારેય ઉમેદવારો ભાજપ પ્રેરિત પેનલના વિજયી બન્યા હતા.
જેથી ભાજપ છાવણીમાં સોપો પડી ગયો હતો. ત્યારબાદ ખેડૂત વિભાગની મતગણતરી શરૂ થતાં જ ભાજપ – કોંગ્રેસ છાવણીમાં ઉત્તેજના વધતી જતી હતી. જેમ જેમ મતગણતરી આગળ વધતી હતી તેમ તેમ બંન્ને પક્ષના ઉમેદવારોમાં મત મેળવવાની ખેંચતાણ જાેવા મળતી હતી.
છેવટે બપોરે ચાર કલાકે મતખણતરી પૂર્ણ થતાં ચૂંટણી અધિકારી અભિષેક સુવાએ પરિણામ જાહેર કર્યું હતું. જે જાેતા ભાજપ પ્રેરિત પેનલને ૭ અને કોંગ્રેસની વિકાસ પેનલને ૩ બેઠકો મળી હતી. પરિણામ જાેતા કુલ ૧૬ પૈકી ભાજપ પ્રેરિત ૧૩ અને કોંગ્રેસ સમર્થિત ૩ ઉમેદવારો જીત્યા હોવાનું જાણવા મળે છે. જેથી તારાપુર એપીએમસીમાં ફરી એકવાર કેસરીયો લહેરાતા ભાજપ સત્તારૂઢ બન્યું છે.
ફેર મતગણતરીની જાેગવાઈ નથી
મતગણતરી પૂર્ણ થયા બાદ ચૂંટણી અધિકારીએ પરિણામ જાહેર કર્યું હતું. જેની સામે કોંગ્રેસની વિકાસ પેનલના રણછોડભાઈ ભરવાડ અને લધુભા ગોહિલે મતગણતરી સામે પ્રશ્નો ઉઠાવતી અરજી આપી હતી. આ બંન્ને ઉમેદવારોને એકસરખા ૧૦૮ મત મળ્યા હતા. વાંધા અરજીમાં જણાવ્યું હતું કે મતગણતરી સ્થળ ખૂબ જ નાનું અને ભીડવાળું હતું.
જેથી મતગણતરી સ્પષ્ટ જાેઈ શકાતી નહોતી. જે બેલેટ પેપરમાં મતની સ્પષ્ટ છાપ જાેવા મળતી ન હતી તેને પણ મતગણતરીમાં લેવાયા છે. ઉપરાંત મતગણતરી દરમ્યાન અમારા એજન્ટને બેલેટ પેપર પણ બતાવવામાં આવ્યા નથી. તેમાંય દસમા ક્રમાંકના વિજેતા વચ્ચે માત્ર એક જ મતનું અંતર હોવાથી ફેર મતગણતરીની માંગણી અરજદારોએ કરી હતી.
જેના અનુસંધાનમાં ચૂંટણી અધિકારી અભિષેક સુવાએ વાંધા અરજી નામંજૂર કરતાં હુકમ કર્યો હતો કે ગુજરાત એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ રૂલ્સ ૧૯૬૫ની જાેગવાઈ ધ્યાને લેતાં ફેર મતગણતરીની કોઈ જ જાેગવાઈ નથી.