ભાજપે કોંગ્રેસના સચીન પાઈલોટ અને જ્યોતિરાદિત્ય સિંધિયાને પક્ષમાં લાવવા પ્રયત્નો કર્યા હતા
સત્તા પર બેસવાની તક ગુમાવી ચૂકેલા સચીન પાઈલોટ ખોટા ફાંફા મારે છે
(એજન્સી) એક તરફ રાહુલ ગાંધીનો વાઈનાડમાં ભવ્ય રોડ શો ચાલતો હતો ત્યારે રાજસ્થાનમાં સચીન પાઈલોટે પોતાની સરકાર સામે જ બંડ પોકાર્યું હતું. નારાજ થઈને નવો રાજકીય પક્ષ ઉભો કરવો એ આંધળુકિયું પગલું કહી શકાય.
રાજસ્થાનના કેસમાં છેલ્લે એવા સમાચાર સાંભળવા મળે કે ઘીના ઠામમાં ઘી પડી રહ્યું તો આશ્ચર્ય ના અનુભવતા. ભારતના રાજકારણમાં તક બહુ ઓછા લોકોને મળે છે. સમય જાેઈને જે જમ્પ નથી મારતો તે હંમેશા ફાંફા માર્યા કરે છે. તેનું લેટેસ્ટ ઉદાહરણ સચીન પાઈલોટ છે.
સત્તા પર બેસવાની તક તે ગુમાવી ચૂક્યા છે. રાહુલ ગાંધી સાથેની તેમની મિત્રતા ઉપયોગી બનશે એમ તેઓ માનતા હતા, પરંતુ એ તે ભૂલી ગયા હતા કે રાજકારણમાં બધા મતલબના મિત્રો હોય છે. રાહુલ ચતુર છે. તે જાણે છે કે રાજસ્થાન થોડું પણ નબળું પડશે તો ભાજપ ચઢી બેસશે.
સચીન પાઈલોટ છાશવારે બંડ પોકારે છે અને કોંગ્રેસની સરકાર તૂટશે એવો ભાસ ઉભો થાય છે, પરંતુ હવે લોકો સમજી ગયા છે કે આ તો વાઘ આવ્યો રે વાઘ જેવી રાજકીય સ્ટોરી છે. વર્તમાન મુખ્ય પ્રધાન અશોક ગેહલોત જયારે કોંગી મોવડી મંડળને સલાહ સૂચન આપતા હોય ત્યારે હવે તેમના જેવા રાજકીય મહારથી સામે બાથ ભીડવી એ રાજકીટ નાટકબાજી સિવાય બીજું કશું જ નથી એમ કહી શકાય.
ખરેખર સચીન પાઈલોટ તક ચૂકી ગયા છે અને હવે તે ભ્રષ્ટાચારના નામે પોતાના પક્ષ કોંગ્રેસ સામે જ ઉપવાસ પર ઉતર્યા છે. ગાંધી પરિવારના ભરોસે સચીન પાઈલોટ આગળ વધે છે તે તેમની સૌથી મોટી નબળાઈ છે.
એક સમયે ભાજપે કોંગ્ઢરેસના બે જુવાન નેતા સચીન પાઈલોટ અને જયોતિરાદિત્ય સિંધિયાને પક્ષમાં આવવા દાણા નાખ્યા હતા. સિંધિયા તક ઝડપને ભાજપમાં આવી ગયા હતા, જયારે સચીન પાઈલોટ મોં ધોવા ગયા હતા. જાેતજાેતામાં સિંધિયા ભાજપ સાથે દૂધમાં સાકરની જેમ ભળી ગયા હતા. આજે તેમની પાસે મહત્વનું એવું ઉડ્ડયન મંત્રાલય છે.
જે એક તબક્કે કોંગ્રેસના કાળમાં તેમના દિવંગત પિતા માધવરાવ સિંધિયા પાસે હતું. માધવરાવ ગાંધી પરિવારને વફાદાર હતા અને તેમના પુત્ર જયોતિરાદિત્ય પણ ગાંધી પરિવારને વફાદાર હતા. પરંતુ જયોતિરાદિત્ય પવનની દિશા જાેઈ શક્યા હતા. ગાંધી પરિવારના સાથેની પોતાના કુટુંબની વર્ષો જુની વફાદારીને તોડી નાખીને તેઓ ઉગતા સૂરજની દિશામાં પ્રયાસ કરી ગયા.
જયોતિરાદિત્ય અને સચીન પાઈલોટ બંને સાથે કોંગ્રેસ છોડવાના હતા, પરંતુ રાહુલ અને પ્રિયંકાએ સચીનને રાજસ્થાનના મુખ્યપ્રધાન બનાવવાનું પ્રોમીસ આપ્યું હતું. આ પ્રોમીસનો અમલ કરવાનો માહોલ પણ ઉભો થયો, છતાં સચીન પાઈલોટ લટકાવી દેવાયા હતા.
આ વખતે પણ સચીન પાઈલોટે હાથમાં લીધેલો મુદ્દો બહુ પ્રભાવી નથી. અશોક ગેહલોત ભ્રષ્ટાચારીઓ સામે પગલાં ભરતા નથી એમ કહીને તેમણે બંડ પોકાર્યું છે. તેઓ વસુંધરા રાજે સિંધિયાના ભ્રષ્ટાચાર સામે પગલા લેવા માંગે છે, પરંતુ તેમના પક્ષે જ કરેલા ભ્રષ્ટાચાર સામે તે ચૂપ છે.
રાજકીય ગણિત અનુસાર અશોક ગેહલોત હાલમાં વસુંધરાનું નામ ગાજે એમ નથી ઈચ્છતા, નહીંતર તે સહાનુભૂતિનો લાભ ઉઠાવી શકે છે, પરંતુ સચીન પાઈલોટની દાનત ખોરી છે. તેઓ પોતાની નારાજગી મોવડી મંડળ સુધી પહોંચાડવા માંગે છે. અશોક ગેહલોતનો મોવડી મંડળ પર મજબુત પ્રભાવ છે માટે તેમને કોઈ આંચ આવવાની નથી.
ગયા વખતે વાત પ્રમાણમાં આસાન હતી. જયારે અશોક ગેહલોતને કોંગ્રેસના પ્રમુખ બનાવવાની વાત આવી ત્યારે તેમની જગ્યાએ સચીન પાઈલોટનું નામ નિશ્ચિત બની ગયું હતું. પાઈલોટના સમર્થકો ફટાકડા ફોડવા લાગ્યા હતા, પરંતુ રાજસ્થાનનું મુખ્યપ્રધાનપદું ગેહલોત તેમના કોઈ વફાદારને આપવા માંગતા હતા.
કોંગી મોવડીમંડળે ના પાડતા સામે છેડે ગેહલોતે પણ કોંગ્રેસનું પ્રમુપદ સ્વીકારવાની ના પાડી દીધી હતી. કોંગ્રેસ માટે તે સમય રાજકીય તમાશા સમાન બની ગયો હતો. સચીન પાઈલોટ માટે અપમાનજનક સ્થિતિ ઉભી થઈ હતી. ત્યાર બાદ કોંગી મોવડીમંડળે અશોક ગેહલોત અને સચીન પાઈલોટ વચ્ચે સમાધાન કરાવ્યું હતું. તે વારંવાર ગળે મળે છે અને પછી સામસામી આક્ષેપબાજી શરૂ થાય છે.
અશોક ગેહલોત સચીન પાઈલોટને મુખ્યપ્રધાન બનવા દેવા નથી માગતા અને સચીન પાઈલોટને મુખ્ય પ્રધાનપદ સિવાય કશું જાેઈતું નથી. રાજસ્થાનમાં બે ટોચના કોંગી ચહેરા લડી રહ્યા છે અને ભાજપ તેનો લાભ ઉઠાવવાની કોશિશ કરી રહ્યો છે. આ વર્ષે રાજસ્થાનમાં ચૂંટણી છે અને ભાજપ કોંગ્રેસના હાથમાંથી રાજસ્થાન આંચકી લેવા પ્રયાસ કરશે. કોંગ્રેસનું સંગઠન નબળું પડી રહ્યું છે.