Western Times News

Gujarati News

ભાજપ હાર્દિક પટેલને વારંવાર પરેશાન કરે છેઃ પ્રિયંકા ગાંધી

File

હાર્દિકને પટેલને ન્યાયાધીશ નિવાસસ્થાને રજૂ કરાતાં તેને ૨૪મી જાન્યુઆરી સુધી જયુડીશીયલ કસ્ટડીમાં મોકલાયો
અમદાવાદ, રાજદ્રોહના ચકચારભર્યા કેસમાં કોર્ટમાં ગેરહાજર રહી કાનૂની કાર્યવાહીને જાણી જોઇને વિલંબમાં નાખી મુદતમાં હાજર નહી રહેતા કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ સામે એડિશનલ સેશન્સ જજ બી.જે.ગણાત્રાએ બિનજામીનપાત્ર પકડ વોરંટ કાઢ્યું હતું. જેને પગલે સાઇબર ક્રાઈમની ટીમે ગણતરીના કલાકોમાં વિરમગામ પાસેથી હાર્દિકની ધરપકડ કરી હતી.

હાર્દિકને આજે રવિવારે જજના નિવાસસ્થાને રજૂ કરવામાં આવતાં કોર્ટે હાર્દિક પટેલને આગામી તા.૨૪મી સુધી જ્યુડિશિયલ કસ્ટડીનો આદેશ કર્યો છે. બીજીબાજુ, આ સમગ્ર મામલે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટિ્‌વટ કરી ભાજપ પર નિશાન સાધતાં જણાવ્યું હતુ કે, ભાજપ યુવાઓના રોજગાર અને ખેડૂતોના હકની લડાઈ લડનારા યુવા હાર્દિક પટેલને વારંવાર પરેશાન કરી રહ્યો છે.

હાર્દિકે પોતાના સમાજના લોકોનો અવાજ ઉઠાવ્યો અને તેના માટે નોકરીઓ માંગી, છાત્રવૃત્તિ માંગી અને ખેડૂત આંદોલન કર્યું. ભાજપ તેને દેશદ્રોહ કહી રહ્યો છે. પ્રિયંકાએ ભાજપના આ પ્રકારના વર્તનની ભારોભાર ટીકા કરી હતી. તો, હાર્દિકની ધરપકડ અને પ્રિયંકા ગાંધીના આ ટિ્‌વટ બાદ રાજકારણ ગરમાતાં રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વળતો જવાબ આપ્યો હતો કે, કોર્ટના આદેશથી હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આઓવી છે, પોલીસે કાયદાકીય રીતે જ ધરપકડ કરી છે. કોર્ટે હાર્દિકનું ધરપકડ વોરંટ કાઢતા નોંધ્યું છે કે, હાઇકોર્ટે જામીન આપતી વખતે શરત મૂકી હતી કે, કોર્ટને સહકાર આપવાનો, મુદતમાં નિયમિત હાજર રહેવાનું સહિતની શરતોનું પાલન કર્યું નથી.

આ સંજોગોમાં આરોપી ઇરાદાપૂર્વક સામાન્ય કામનું કારણ બતાવી અરજીઓ કરી કેસ ચલાવવા માંગતો નથી. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે શનિવારે રાજદ્રોહના આ કેસની સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં ગેરહાજર રહેલા હાર્દિકના વકીલે મુદત માગવા માટે અરજી કરી હતી, જેનો વિરોધ કરતા સરકારી વકીલ એચ.એમ. ધ્રુવે રજૂઆત કરી હતી કે, આરોપી કેસને લંબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જામીન પર મુક્ત કરતી વખતે આપેલી શરતોનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે.

આથી આરોપી સામે પકડ વોરંટ કાઢવામાં આવે. કેસની વધુ સુનાવણી તા.૨૪મીએ હાથ ધરાશે. ચકચારભર્યા આ કેસની વિગત એવી છે કે, વર્ષ ૨૦૧૬માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાસના કન્વીનર હાર્દિક પટેલ, કેતન પટેલ, દિનેશ બાંભણિયા અને ચિરાગ પટેલ વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો, જેમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ કરી હતી. આ કેસની કાનૂની કાર્યવાહી સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી હાર્દિક સહિતના આરોપીઓ જાણી જોઇને વિવિધ પ્રકારની અરજી કરી મુદત પડાવતો હોવાની વાત ધ્યાન પર આવતાં કોર્ટે ગંભીર નોંધ લીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.