આ રાજ્યની વિધાનસભામાં ભાજપે 10 બેઠકો બિનહરીફ જીતી લીધી
અરુણાચલ પ્રદેશમાં ભાજપ ફરી એક વખત સત્તા પર આવશે-અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને કુલ ૪૬ બેઠકો મળી -સિક્કિમમાં એસકેએમએ સપાટો બોલાવ્યો, ભાજપ-કોંગ્રેસને શૂન્ય બેઠક
(એજન્સી)નવી દિલ્હી, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી પૂર્ણ થઇ ગઇ છે. ૬૦ વિધાનસભા બેઠકો ધરાવતા અરુણાચલ પ્રદેશમાં ભાજપે 10 બેઠકો બિનહરીફ જીતી લીધી હતી અને હવે મતગણતરી બાદ આંકડો એ પણ સામે આવ્યો કે ભાજપ અહીં ૪૬થી વધુ બેઠકો જીતી ગયો છે.
જ્યારે સિક્કિમમાં ૩૨ સીટો પર મતગણતરી પૂર્ણ થઇ ચૂકી છે. જ્યાં સિક્કિમ ક્રાંતિકારી મોરચો (એસકેએમ) ૩૧ બેઠક જીતીને બહુમતીમાં છે. એક જ બેઠક સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંટ (એસડીએફ) ના ખાતામાં આવી હતી. અહીં ૧૯ એપ્રિલે મતદાન થયું હતું. સિક્કિમમાં કુલ ૭૯.૮૮ ટકા મતદાન થયું હતું જ્યારે અરુણાચલ પ્રદેશમાં ૮૨.૯૫ ટકા મતદાન થયું હતું
સિક્કિમમાં પ્રેમ સિંહ તમાંગની આગેવાની હેઠળના સત્તાધારી સિક્કિમ ક્રાંતિકારી મોરચા અને પવન કુમાર ચામલિંગના સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ વચ્ચે સ્પર્ધા હતી. જોકે સત્તારુઢ એસકેએમએ ૩૨ બેઠકો ધરાવતી સિક્કિમની વિધાનસભામાં ૩૧ બેઠકો પર જીત મેળવી છે. જ્યારે એસડીએફના ખાતામાં એક બેઠક આવી છે. સિક્કિમમાં ભાજપ અને કોંગ્રેસ ખાતું પણ ન ખોલાવી શક્યા.
ઉલ્લેખનીય છે કે સિક્કિમમાં ભાજપ અને કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. ૧૪૬ ઉમેદવારોમાં મુખ્ય ઉમેદવારોમાં મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગ, તેમની પત્ની કૃષ્ણા કુમારી રાય, પૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગ, પૂર્વ ભારતીય ફૂટબોલર બાઈચુંગ ભૂટિયા અને ભાજપના નરેન્દ્ર કુમાર સુબ્બાનો સમાવેશ થાય છે. ૨૦૧૯માં પ્રેમ સિંહ તમાંગની આગેવાની હેઠળની એસકેએમએ ૧૭ બેઠકો જીતી હતી, જ્યારે એસડીએફને ૧૫ બેઠકો મળી હતી.
અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના રિઝલ્ટ: ભાજપને કુલ ૪૬ બેઠકો મળી જ્યારે નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી)ને ૫, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ને ૩, પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલ (પીપીએ)ને ૨ અને કોંગ્રેસના ખાતામાં એક બેઠક આવી છે, જ્યારે અપક્ષ પણ ૩ બેઠક જીત્યા છે. એનસીપીએ અહીં મજબૂત પ્રદર્શન કર્યું હોય તેવું લાગે છે. એટલે જ તેણે કોંગ્રેસ કરતાં પણ વધુ ૨ બેઠકો અહીં જીતી બતાવી હતી. ઉલ્લેખનીય છે કે અરુણાચલ પ્રદેશમાં બહુમતીનો આંકડો ૩૧ બેઠકોનો છે.
ભાજપ અહીં એકલા હાથે તેના કરતાં વધુ બેઠક જીતી જવામાં સફળ રહ્યો છે. ૬૦ સીટોવાળી અરુણાચલ વિધાનસભામાં સત્તાધારી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો હતો. ભાજપે તમામ ૬૦ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જ્યારે કોંગ્રેસે માત્ર ૧૯ બેઠકો પર ચૂંટણી લડી હતી.
અરૂણાચલ પ્રદેશ વિધાસભા ચૂંટણીમાં સતત ત્રીજીવાર ભાજપની સરકાર બની છે. ભગવા પાર્ટીએ રાજ્યની ૬૦ સીટોમાંથી ૪૬ સીટો પર જીત મેળવી છે.
ભાજપે વિધાનસભાની ૧૦ સીટો પહેલા બિનહરીફ જીતી લીધી હતી. તો કોંગ્રેસે માત્ર એક સીટથી સંતોષ કરવો પડ્યો છે.
ભાજપે લુમલા, ચયાંગતાજો, સેપ્પા (ઈસ્ટ), પાલિન, કોલોરિયાંગ, દાપોરિજો, રાગા, દુમપોરિજો, અલાંગ (વેસ્ટ), દામ્બુક, તેજૂ, ચાંગલોન્ગ (સાઉથ), ચાંગલોન્ગ (નોર્થ), નામસાંગ, ખોંસા (વેસ્ટ), બોર્દુિરયા-બોગાપાની અને પોંગચાઉ-વક્કા જેવી સીટો પર જીત મેળવી છે. આ સિવાય નેશનલ પીપુલ્સ પાર્ટીને પાંચ સીટ પર જીત મળી છે. પીપુલ્સ પાર્ટી ઓફ અરૂણાચલે બે સીટ જીતી છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ખાતામાં માત્ર એક સીટ આવી છે. ખોંસા ઈસ્ટ સીટ અપક્ષ ઉમેદવાર વાંગ્લામ સવિને જીતી છે. વિપક્ષી કોંગ્રેસે ૧૯ સીટો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. ભાજપના ૧૦ ઉમેદવારો બિનહરીફ થયા બાદ રાજ્યની બાકી ૫૦ વિધાનસભા સીટ માટે ૧૯ એપ્રિલે મતદાન થયું હતું.
બિનહરીફ ચૂંટાયેલા નેતાઓમાં મુક્તો સીટથી મુખ્યમંત્રી પેમા ખાંડૂ, ચૌખમથી નાયબ મુખ્યમંત્રી ચૌના મીન, ઈટાનગરથી પાર્ટીના વરિષ્ઠ નેતા ટેકી કાસો, ટલીહાથી ન્યાતો દુમક અને રોઈંગ સીટથી મુચૂ મિથી સામેલ છે. અરૂણાચલ પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ ૨ જૂને સમાપ્ત થઈ રહ્યો છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પવન કુમાર સૈનીએ જણાવ્યું કે મતદાનની ગણતરી સવારે છ કલાકથી બધા ૨૪ કેન્દ્રો પર શરૂ થઈ હતી.
પોસ્ટલ બેલેટની ગણતરી પૂરી થયા બાદ ઈવીએમથી મતની ગણતરી શરૂ થઈ હતી. રાજ્યની ૫૦ વિધાનસભા સીટો પર ૧૩૩ ઉમેદવાર મેદાનમાં હતા. અરૂણાચલ પ્રદેશમાં બે લોકસભા સીટ પર પણ મતદાન થયું હતું, જેની ગણતરી ૪ જૂને થશે.