ભાજપના ધર્મેન્દ્ર શાહને સુરત કનેક્શન નડી ગયું
ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટના ટેન્ડરનો વિવાદ દિલ્હી સુધી પહોંચ્યા બાદ ધર્મેન્દ્ર શાહને ભાવિનો અણસાર આવી ગયો હતો
( દેવેન્દ્ર શાહ ) અમદાવાદ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના પ્રભારી અને પક્ષના સહ ખજાનચી ધર્મેન્દ્ર શાહને તમામ પદે થી મુક્ત કર્યા બાદ અનેક તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે. જેમાં ધર્મેન્દ્ર શાહનો ઉગ્ર સ્વભાવ, મીસ્ટર ટુ પરસેન્ટ, અનેક ટેન્ડરમાં કટકી જેવા આક્ષેપ થઈ રહ્યા છે.
પરંતુ વાસ્તવિકતા કઈંક અલગ જ હોવાની પક્ષની ઉચ્ચ નેતાગીરી માં ચાલી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા બે વર્ષથી સુરતના કોન્ટ્રાકટરોનું પ્રભુત્વ વધી રહ્યું છે. જેમાં ધર્મેન્દ્ર શાહ સામે પણ આંગળી ચીંધાઇ હતી. બીજા શબ્દોમાં કહીએ તો ધર્મેન્દ્ર શાહને સુરત કનેક્શન નડી ગયું છે.
ભારતીય જનતા પાર્ટીની ઉચ્ચ નેતાગીરીમાં જેનો સમાવેશ થાય છે તેવા ધર્મેન્દ્ર શાહને અચાનક તમામ પદેથી મુક્ત કરવામાં આવતા તરેહ તરેહની ચર્ચાઓ ચાલી રહી છે. મ્યુનિ. ભાજપમાં થતી આંતરિક ચર્ચા મુજબ મનપમાં સુરતની કંપનીઓના વર્ચસ્વ વધી રહ્યા છે. સુરતની કંપનીઓના ટેન્ડર મંજૂર કરવા માટે પ્રદેશકક્ષાએથી મળતી સૂચનાનો અમલ ધર્મેન્દ્ર શાહ કરતા હતા.
નાના-મોટા ટેન્ડરની બાબત કોઈના ધ્યાનમાં આવતી નહતી અને કોઇ વિરોધ પણ કરવામાં આવતો નહતો. પરંતુ વર્લ્ડ બેન્ક ની લોન માંથી તૈયાર કરવામાં આવનાર એસ.ટી.પી. પ્લાન્ટમાં એલ એન્ડ ટી કંપનીએ સૌથી ઓછા ભાવ ભર્યા હતા તેમ છતાં ટેક્નિકલ માર્કસમાં સુરતની એન્વાયરો કંપનીને વધુ માર્ક આપી તેને કામ આપવામાં આવતા વિવાદ થયો હતો પરંતુ આ વિવાદ લાંબો ચાલ્યો ન હતો. પરંતુ પીરાણા ખાતે ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે પણ એન્વાયરો કંપનીનું ટેન્ડર મંજુર કરવામાં આવ્યું હતું
પરંતુ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એન્વાયરો કંપનીને દૈનિક રૂ.60 લાખ ચુકવવાની જે શરત હતી તેના કારણે ભારે વિવાદ થયો હતો. મ્યુનિ. સ્ટેન્ડીંગ કમિટીએ પણ આ દરખાસ્ત 21 દિવસ પછી ફરીથી રજૂ કરવાનું કહી મંજૂરી આપી નહતી. પરંતુ આ ટેન્ડરનો મામલો છેક દિલ્હી સુધી ગયો હતો. જેના કારણે ધર્મેન્દ્ર શાહને ભાવિનો અણસાર આવી ગયો હતો.
તેથી જ સ્ટેન્ડિંગ કમિટીએ ટર્સરી ટ્રિટમેન્ટની દરખાસ્ત પરત કર્યા બાદ એન્વાયરો કંપનીના સર્વેસર્વા ધર્મેન્દ્રભાઈ ને મનપાની ઓફિસે મળ્યા હતા તે સમયે ધર્મેન્દ્રભાઈએ સ્પષ્ટ જણાવ્યું હતું કે હવે તેમના હાથમાં બાજી રહી નથી અને તેઓ માત્ર 15-20 દિવસ માટે જ આ હોદ્દા પર છે તેથી તેઓ નવી કોઈ માથાકૂટમાં પાડવા માંગતા નથી. દિલ્હી થી અણસાર મળી ગયા હોવાથી જ તેઓ 20 દિવસ માટે અમેરિકા જતા રહયા છે .
આ ઉપરાંત બહેરામપુરા 30 એમ.એલ.ડી.સી.ઇ.ટી.પી. માં ગ્રાન્ટ મળી ન હોવા છતાં આસફા પાસેથી માત્ર લખાણ લઈને પ્લાન્ટ શરૂ કરાવ્યો હતો. જેના કારણે કોર્પોરેશનના રૂ.100 કરોડ હાલ પૂરતા ડૂબ્યા છે. સાબરમતી પ્રદુષણ મામલે એન્જીનીયરિંગ વિભાગ દ્વારા જયારે ડ્રેનેજ જોડાણ કાપવામાં આવતા તે સમયે પણ સુએઝ ફાર્મ વિસ્તારમાં કાર્યવાહી ન કરવા તેઓ સૂચના આપતા હતા.
જો કે , એક બાબત દિવા જેવી સ્પષ્ટ છે કે સુરતની કંપનીઓના ટેન્ડર મંજુર કરવા માટે તેઓ વહીવટી તંત્ર પર કોઈ જ દબાણ કરતા નહતા કારણ કે વહીવટી તંત્રના વડાની પણ આમાં મૂક સંમતિ હોય જ છે. આ સિવાય ધર્મેન્દ્ર શાહ સામે અન્ય જે આક્ષેપ થઈ રહ્યા છે તે ધડ-માથા વિનાના છે તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.
ભાજપના આધારભૂત સુત્રોનું માનીએ તો ધર્મેન્દ્ર શાહ અને ભાજપ પ્રદેશ પ્રમુખ એક જ લોબીના નેતા છે. તેથી તેમને ફરજ મુક્ત કરવાનો નિર્ણય પ્રદેશ પ્રમુખનો હોઈ શકે નહીં. પરંતુ તેમણે ઉચ્ચ કક્ષાએથી મળેલી સૂચનાનો માત્ર અમલ જ કર્યો છે તેમ કહી શકાય.