છોટા ઉદેપુરની ચૂંટણીમાં એક વોટે બદલ્યો ખેલ: બાવળામાં BSP બની કિંગ મેકર

પ્રતિકાત્મક
(એજન્સી)છોટા ઉદેપુર, દરેક ચૂંટણીમાં લોકો પોતાની આળસના કારણે એક મતના મહત્ત્વને અવગણે છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામમાં આ એક મતનું મૂલ્ય લોકો સમજી શક્યા હતાં. અહીં છોટા ઉદેપુરના એક ઉમેદવાર ફક્ત એક મતથી જીત્યા છે. છોટાઉદેપુરની નગરપાલિકાના વોર્ડ નંબર ૫માં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર મુફિસ શેખનો ફક્ત એક વોટથી વિજય થયો છે.
છોટા ઉદેપુર નગરપાલિકાની કુલ ૭ વોર્ડની ૨૮ બેઠક પર ચૂંટાઈ હતી. જેમાં ભાજપ ૮ બેઠક, સપા ૬ બેઠક, બસપા ૪ બેઠક તેમજ કોંગ્રેસ ૧ બેઠક અને અન્યના ખાતામાં ૯ બેઠક આવી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે પણ ભાજપનો દબદબો યથાવત રહ્યો છે અને કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. રાજ્યમાં ૬૮ નગરપાલિકાની ચૂંટણીમાંથી ૬૨ નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે અને માત્ર ૧ બેઠક પર જ કોંગ્રેસ જીત હાંસલ કરી શકી છે. આ સિવાય સપા બે બેઠકો પર કિંગમેકર સાબિત થઈ છે. આ સિવાય ૨ બેઠકો પર અપક્ષ ઉમેદવારે પોતાનો દબદબો યથાવત રાખ્યો છે.
કચ્છમાં ભચાઉની તમામ બેઠકો પર કમળ ખીલ્યું
(એજન્સી)ભૂજ, કચ્છની તમામ નગરપાલિકાના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. જેમાં ભચાઉની તમામ બેઠકો ભાજપનો વિજય થયો છે. બીજી તરફ રાપરમાં ૨૧ બીજેપી જ્યારે ૭ બેઠક કોંગ્રેસની જીત થઈ છે. લાકડીયા તાલુકા પંચાયત બેઠક પર ભાજપની જીત થઈ છે. ઉમેદવાર હરિભા ગઢવીએ ૭૫૫ મતથી જીત મેળવી છે. ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપની જીતથી રાપર ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા સહિતના નેતાઓ અને કાર્યકરોમા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાપર વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય સંતોકબેનના પતિ ભચુભાઈ આરેઠિયાએ સમગ્ર હારનો સ્વીકાર કર્યો હતો. કોંગ્રેસે ભચુભાઈ આરેઠિયા પર ચૂંટણી જવાબદારી સોપી હતી જેમાં તેઓ નિષ્ફળ રહ્યા છે અને હાર તેમણે સ્વીકારી છે. તેમણે કહ્યું હતું કે, ‘રાપરની પ્રજાને રાપરમાં કોઈ પણ સમસ્યા નથી જણાતી જેથી તેઓએ ભાજપના ઉમેદવારોને મત આપીને વિજેતા બનાવ્યા છે. કોંગ્રેસે પાણીની સમસ્યા, કચરાની સમસ્યા, ગટરની સમસ્યા, રખડતા ઢોરોની સમસ્યાને લઈને ચૂંટણી લડી હતી પરંતુ રાપરના મતદારોને કોઈ સમસ્યા રાપરમાં ન હોય તેવી રીતે ભાજપના ઉમેદવારોને મત આપ્યા છે.
બીલીમોરામાં અપક્ષ ઉમેદવારે કમાલ કર્યો
(એજન્સી)નવસારી, ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે. નવસારી જિલ્લાની બીલીમોરા નગરપાલિકાની પણ ચૂંટણી યોજાઈ હતી. બીલીમોરામાં ૯ વોર્ડની ૩૬ બેઠકમાંથી ભાજપે ૨૯ બેઠકો જીતી સત્તા મેળવી છે. પાંચ બેઠક અપક્ષ તો બે બેઠક કોંગ્રેસને મળી છે. પરંતુ બીલીમોરામાં એક અપક્ષ ઉમેદવારે કમાલ કર્યો છે અને આઠમી વખત ચૂંટણી જીતી છે. જનતા જ્યારે પ્રેમ આપે છે ત્યારે સામાન્ય માણસ પણ આસમાનની બુલંદી પર પહોંચી જાય છે. બીલીમોરા નગરપાલિકાની ચૂંટણીમાં પણ આવું જ કંઈક જોવા મળ્યું છે. જ્યાં સતત જનતા માટે દોડતા અપક્ષ ઉમેદવાર મલંગ કોલીયા સતત આઠમી વાર પાલિકાની ચૂંટણી જીત્યા છે અને ગુજરાતમાં અપક્ષ તરીકે આઠ વાર જીતવાનો રેકોર્ડ સ્થાપિત કરી દીધો છે. બીલીમોરા નગરપાલિકાના અપક્ષ ઉમેદવાર મલંગ કોલિયા વર્ષ ૧૯૮૫ થી પાલિકાની ચૂંટણી લડતા આવ્યા છે.
બાવળામાં બસપા બની કિંગ મેકર
(એજન્સી)બાવળા, તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. અમદાવાદના બાવળા નગરપાલિકાની ચૂંટણીના પરિણામોએ બસપાને કિંગ મેકર બનાવી દીધી છે. નગરપાલિકાની ચૂંટણીમાં ૨૮ બેઠકમાંથી ભાજપને ૧૪ બેઠકો પર જીતનો સ્વાદ ચાખવા મળ્યો છે, જ્યારે કોંગ્રેસે ૧૩ બેઠકો પર કબજો જમાવ્યો છે. બહુમતી માટે ૧૫ બેઠકો જીતવી જરૂરી છે પરંતુ બંનેમાંથી એકપણ પક્ષને બહુમતી પ્રાપ્ત થઇ નથી. ત્યારે બસપા કિંગ મેકર બની શકે છે. બાવળા નગરપાલિકાની ચૂંટણીની વાત કરવામાં આવે તો ૭ વોર્ડમાં ૨૮ બેઠકો પર ચૂંટણી યોજાઇ હતી અને જેમાં ૭૮ ઉમેદવારો મેદાને ઉતર્યા હતા. જેમાં ભાજપે ૧૪ બેઠકો, કોંગ્રેસે ૧૩ અને બસપાએ ૧ બેઠક પર જીત મેળવી છે. નગરપાલિકામાં સત્તા પર આરૂઢ થવા માટે ૨૮ માંથી ૧૫ બેઠકો જીતવી જરૂરી છે. ત્યારે બાવળમાં એકપક્ષને બહુમત પ્રાપ્ત થયો નથી. ત્યારે બાવળા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર ૭માં જીત પ્રાપ્ત કરનાર કાળુભાઇ ચૌહાણ કિંગ મેકર સાબિત થઇ શકે છે.
રાણાવાવ અને કુતિયાણા બેઠક પર એસપીનો કબજો
(એજન્સી)ગાંધીનગર,
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એસપીએ જોરદાર પ્રદર્શન કર્યું છે. રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકા પર એસપીનો વિજય થયો છે. તમને જણાવી દઈએ કે, આ નગરપાલિકામાં કાંધલ જાડેજાનો દબદબો છે અને કાંધલ જાડેજા એસપીની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. કુતિયાણા નગરપાલિકાની ૨૪ સીટમાંથી સમાજવાદી પાર્ટીને ૧૪ સીટ મળતા કાંધલ જાડેજાનો દબદબો યથાવત રહ્યો છે. જ્યારે ભાજપને ૧૦ સીટ મળતા ઢેલી બહેનને મોટો ફટકો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે,
ઢેલીબેન ૧૯૯૫થી કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ હતા. આમ તેમના એક ચક્રી શાસનનો અંત આવ્યો છે. રાણાવાવ નગરપાલિકા પર સમાજવાદી પાર્ટીએ કબજો કરી લીધો છે. રાણાવાવમાં સમાજવાદી પાર્ટીને ૧૬ અને ભાજપને ૮ બેઠક મળી છે. તમને જણાવી દઈએ કે, અહીં કાંધલા જાડેજા ધારાસભ્ય છે. તમને જણાવી દઈએ કે, પોરબંદર જિલ્લાની રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની રવિવારે ચૂંટણી યોજાઈ હતી. જેમાં કુતિયાણામાં ૫૯.૮૩ ટકા મતદાન અને રાણાવાવ પાલિકામાં કુલ ૫૦.૧૯ ટકા મતદાન થયું હતું. આજે એટલે કે, મંગળવારે મત ગણતરી કરવામાં આવી રહી છે. જેમાં રાણાવાવમા ૭ વોર્ડના ૭ રાઉન્ડમાં તથા કુતિયાણામાં ૬ વોર્ડમાં ૬ રાઉન્ડમાં મત ગણતરી થઈ છે. રાણાવાવમાં ૭ ટેબલ અને કુતિયાણામાં ૩ ટેબલ ખાતે મતગણતરી કરવામાં આવી હતી.
અમિત શાહના મતવિસ્તાર માણસામાં ભાજપનો સપાટો
(એજન્સી)માણસા,
આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ભાજપે ૬૮માંથી ૫૮ નગરપાલિકાઓ પર કબજો જમાવ્યો છે. આમાં ગાંધીનગરની માણસા નગરપાલિકામાં ભાજપે ભગવો લહેરાવ્યો છે. અમિત શાહના મતવિસ્તાર અને વતન માણસામાં ભાજપની જીતની ખુશી સાતમા આસામને છે. માણસા નગરપાલિકા ચૂંટણી પરિણામ જાહેર થતાં કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. તાજા અપડેટ પ્રમાણે, ગાંધીનગરની માણસા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાવ્યો છે. અહીં ભાજપને પૂર્ણ બહુમતી સાથે ૨૮માંથી ૨૭ બેઠકો ભાજપને ફાળે અને ૧ બેઠક કોંગ્રેસના ફાળે આવી છે.
માણસામાં વોર્ડ નંબર ૧,૨,૪,૫,૬ અને ૭માં ભાજપનો વિજય થયો છે. જ્યારે માત્ર વોર્ડ નંબર ૩માં કોંગ્રેસનો એક ઉમેદવારનો વિજય થયો છે. ભાજપના કાર્યકરો દ્વારા જીતને વધાવવામાં આવી છે. ગુલાલ ઉડાડી અને ઢોલ નગારા સાથે ઉજવણી કરી છે. વર્ષ ૧૯૯૫થી માણસા નગરપાલિકા ઉપર બીજેપીનું શાસન છે અને હજુપણ આવનાર પાંચ વર્ષ બીજેપી શાસન મેળવ્યું છે. માણસા વોર્ડ નંબર-૧માં ભાજપની પેનલ વિજયી થતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ભાજપ ઉમેદવાર જીતેન્દ્ર ઠાકોર અને જ્યોત્સના વાઘેલા જીત્યા હતા. માણસા વોર્ડ નંબર ૧માં ભાજપની પેનલ વિજયી થતાં કાર્યકરો ખુશ થયા હતા.