સફેદ દૂધનો કાળો કારોબરઃ ડેરીનું ચોરાયેલું દૂધ વેચવા નીકળેલા ૩ શખ્સો ઝડપાયા
પ્રતિ લિટર રૂ.ર૩માં ખરીદી રૂ.૩૦માં ખાનગી ડેરીને દૂધ વેચતા હતાઃ વડનગર પોલીસે સફેદ દૂધના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો
મહેસાણા, મહેસાણાની નામાંકીત દૂધસાગર ડેરીના ટેન્કરમાંથી મોડી રાત્રે દૂધની ચોરી કરી સસ્તા ભાવે ખરીદી કાર લઈ ખાનગી ડેરીમાં વેચવા નીકળેલા ત્રણ શખ્સોને વડનગર પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન શાહપુર (વડ) ગામ નજીકથી ઝડપી પાડ્યા હતા.
પોલીસે કડકાઈથી પુછપરછ કરતાં આ ત્રણેય શખ્સો દુધસાગર ડેરીના ટેન્કરમાંથી ચાલકની મિલિભગત ચોરાયેલું દૂધ પ્રતિ લિટર રૂ.ર૩માં ખરીદી રૂ.૩૦ના ભાવે ગામની ખાનગી ડેરીમાં વેચી મારતા હતા. પોલીસે ઉપરોકત ત્રણ શખ્સો સહિત ટેન્કરનો ચાલક અને ખાનગી ડેરીના સંચાલક મળી પાંચ જણા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
વડનગર પોલીસ ગત મોડી રાત્રે ઉમાદ-શાહપુર વચ્ચે પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન શાહપુર (વડ) તરફથી આવી રહેલી કારને તપાસ અર્થે ઉભી રખાવી હતી. આ કારમાં બેઠેલા ત્રણેયને પોલીસે અંદર મુકેલા ત્રણ પ્લાસ્ટીકના કેન વિશે પુછતાં તેઓએ બેરલ ખાલી હોવાનું જણાવ્યું હતું.
પોલીસે કેન ખોલતા તેમાં દૂધ જણાઈ આવતાં શંકાના આધારે પોલીસે વધુ પુછપરછ હાથ ધરી હતી. કારમાં સવાર ત્રણેય શખ્સોમાં વડનગરના સુંઢિયા ગામના કલ્પેશ વિરસંગજી ઠાકોર, જિજ્ઞેશ વિરમજી ઠાકોર તેમજ પિંટુ હિરાજી ઠાકોરે દૂધસાગર ડેરીના ટેન્કરમાંથી ચોરાયેલા દૂધનો જથ્થો હોવાની કબુલાત કરી હતી.
જેમાં વડનગર તાલુકાના ગામોની ડેરીઓમાંથી છેલ્લા ચાર દિવસથી દૂધ ભરવા આવતું દૂધસાગર ડેરીના ટેન્કરનો ચાલક અમીરસિંહ હિંમતસીહ ઝાલાએ મોડી રાત્રે ટેન્કરમાંથી દૂધની ચોરી કરી અંદાજે રૂ.ર૩ના ભાવે ૧પ૦ લિટર દૂધ પ્લાસ્ટિકના ત્રણ કેન ભરી આપ્યા હતા અને તે પેટે રૂ.૩પ૦૦ લીધા હતા.
ત્યારબાદ આ દૂધનો જથ્થો ત્રણેય શખ્સો કારમાં સુંઢિયા ગામમાં આવેલ વિક્રમભાઈ પટેલની જય ગોગા નામની ખાનગી ડેરીમાં રૂ.૩૦ પ્રતિલિટર ભાવે વેચાણ કરવા સારૂ નીકળતાં પોલીસે ઝડપી પાડી સફેદ દૂધના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ચોરીનું દૂધ વેચવા નીકળેલા ત્રણ સહિત ટેન્કરનો ચાલક અને ખાનગી ડેરીનો માલિક મળી પાંચ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.