સૌરાષ્ટ્રમાં ૪૦૦થી વધુ ગામોમાં અંધારપટ
(એજન્સી)ગાંધીનગર, ગુજરાતમાં ભારે વરસાદથી માલહાનિની સાથે સાથે જાનહાનિ પણ વધી છે. વરસાદના કારણે ગુજરાતમાં ૧૫ લોકોએ જીવ ગુમાવ્યા છે, અને ૧૭ હજારથી વધુ લોકોએ સ્થળાંતર કર્યુ છે. ગઇકાલે સૌરાષ્ટ્ર રિજનમાં પડેલા ભારે વરસાદથી વીજ પુરવઠાને અસર પહોંચી છે.
હાલમાં મળતી માહતી પ્રમાણે, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી ઠેક ઠેકાણે વીજ થાંભલા ધરાશાયી થયા છે, જેના કારણે ૪૦૦થી વધુ ગામોમાં અંધારપટની સ્થિતિ સર્જાઇ છે. લેટેસ્ટ અપડેટ પ્રમાણે, ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં જીનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં ૪૦૦થી વધુ ગામમાં અંધારપટ છવાયો છે. હાલમાં કેટલાય ગામોમાં વીજ પૂરવઠો ઠપ્પ થયો છે.
સૌરાષ્ટ્રમાં ૫૦૦ વીજ થાંભલા વરસાદના કારણે ધરાશાયી થયા છે. સૌરાષ્ટ્રમાં ૩૪ ટીસી ફેઈલ થયા છે, જ્યારે ૧૨૦૦થી વધુ ફીડર બંધ થયા છે. આ ઉપરાંત અનેક ઠેકાણે વૃક્ષો પડી જતા વીજ તાર તૂટ્યા છે. રાજ્યમાં આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જળતાંડવ વચ્ચે રાજ્ય સરકાર એક્શનમાં છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્થિતિની સમિક્ષા કરી છે.