નાગપુરમાં વિસ્ફોટક બનાવતી કંપનીમાં વિસ્ફોટઃ ૯ ના મોત
નાગપુર, મહારાષ્ટ્રમાં નાગપુરમાં એક કંપનીમાં મોટો વિસ્ફોટ થયો છે. મળતી માહિતી મુજબ આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં ૯ લોકોએ જીવ ગુમાવ્યા છે. અનેક લોકો ઘાયલ થયા છે. નાગપુર ગ્રામ્યના એસપી હર્ષ પોદ્દારના જણાવ્યાં મુજબ નાગપુરના બજારગાંવ ગામમાં સ્થિત સોલર એક્સપ્લોઝિવ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં ૯ લોકોના મોત થયા છે. આ વિસ્ફોટ કંપનીના કાસ્ટ બુસ્ટર યુનિટમાં થયો.
મૃતકોમાં ૬ મહિલાઓ અને ૩ પુરુષો સામેલ છે. એવી આશંકા હતી કે અનેક લોકો હજુ આ કંપનીમાં ફસાયેલા છે. કંપનાના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે ભારે પોલીસકર્મીઓ તૈનાત કરાયા હતા. વિધાયક અનિલ દેશમુખ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વિધાયકે કહ્યું કે ખુબ દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત થયો છે. અત્રે જણાવવાનું કે આ કંપની નાગપુર અમરાવતી રોડ પર બજારગાંવમાં આવેલી છે. પ્રાથમિક માહિતી મુજબ આ વિસ્ફોટ આજે સવારે ૯ વાગે થયો.
એવું કહેવાય છે કે વિસ્ફોટ થયો ત્યારે વિસ્ફોટ પેક કરવાનું કામ ચાલુ હતું. વિસ્ફોટ એટલો ભીષણ હતો કે ત્યાં રહેલા અનેક મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા. આ ઘટનામાં અત્યાર સુધીમાં ૯ લોકોના જીવ ગયા છે.