વડાપ્રધાન મોદીનાં જન્મદિન નિમિત્તે રક્તદાન શિબિરમાં ૨૦૧ બોટલ બ્લડ એકત્રિત કરાયું
અમદાવાદ, દેશનાં યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનાં જન્મદિન નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત જનસહાયક ટ્રસ્ટ દ્વારા સંચાલિત હીરામણિ આરોગ્યધામ, અડાલજ અને ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટીની અમદાવાદ ડીસ્ટ્રીકટ શાખાનાં સંયુક્ત ઉપક્રમે હીરામણિ આરોગ્યધામ ખાતે માનનીય આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું
સાથે સાથે રાજ્યસભા સાંસદ શ્રી નરહરિ અમીનની સાંસદ નિધિ માંથી રૂ. ૩૦ લાખ ની ગ્રાન્ટમાંથી ૨૫૦ દિવ્યાંગ બાળકોને હિયરીંગ એઈડ ડીવાઈસ (શ્રવણયંત્ર)ની કીટ ફાળવવામાં આવી છે જે પૈકી આજ રોજ ૧૦૦ દિવ્યાંગ બાળકોને હિયરીંગ એઈડ ડીવાઈસ (શ્રવણયંત્ર)ની કીટ વિતરણ કરવામાં આવેલ.
આરોગ્યમંત્રીશ્રી અને રાજયસભા સાંસદનાં હસ્તે પ્રતિક તરીકે દિવ્યાંગ બાળકોને હિયરીંગ એઇડ ડીવાઈસ આપવામાં આવી, મંત્રીશ્રીએ રક્તદાન શિબિરની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે રાજયસભા સાંસદ નરહરિ અમીનનાં આમંત્રણને માન આપીને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ હીરામણિ આરોગ્યધામની મુલાકાત લીધી હતી. માનનીય મુખ્યમંત્રીશ્રીનાં વરદ હસ્તે પણ પાંચ દિવ્યાંગ બાળકોને પ્રતિક રૂપે હિયરીંગ એઇડ ડીવાઈસ કીટ આપવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ત્યારબાદ રક્તદાન શિબિરની મુલાકાત લીધી હતી અને હિયરીંગ એઇડ ડીવાઈસનાં લાભાર્થી બાળકોને અને વાલીઓને પણ રૂબરૂ મળ્યા હતા.