Western Times News

Gujarati News

પોતાના ધનથી માંડીને રક્તને પણ બીજાના સુખ માટે દાન આપે એ જ સાચી માનવતા- રાજ્યપાલ

સુરતનું લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર માનવતાના કાર્યોનો અનુપમ પ્રેરણા સ્ત્રોત-રક્તદાનને જીવનનું દાન ગણાવતા રાજ્યપાલશ્રી

સુરતના લોક સમર્પણ ટ્રસ્ટ સંચાલિત રક્તદાન કેન્દ્રની  રજત જયંતી પ્રસંગે રક્તદાતાઓનું સન્માન કરતા રાજ્યપાલશ્રી

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે સુરતના લોક સમર્પણ ટ્રસ્ટ સંચાલિત લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના “સમર્પણ રજત જયંતી મહોત્સવ” પ્રસંગે વિશેષ રક્તદાતાઓનું સન્માન કરતા જણાવ્યું હતું કે, રક્તદાન પ્રવૃત્તિ જેવા માનવતાના વિવિધ કાર્યો દ્વારા લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર  અન્ય લોકો માટે પ્રેરણા સ્ત્રોત છે. તેમણે જણાવ્યું હતું કે, પોતાના ધનથી માંડી રક્તને પણ બીજાના સુખ માટે દાન આપે એ જ સાચી માનવતા છે.

સુરત શહેરના વરાછા સ્થિત સરદાર સ્મૃતિ ભવન ખાતે આયોજીત કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીએ રક્તદાનને જીવનનું શ્રેષ્ઠ દાન ગણાવતા જણાવ્યું હતું કે, અન્યના સુખમાં પોતાનાં સુખને જોવું એ ગુજરાતીઓના સંસ્કાર અને સંસ્કૃતિ છે. ધાર્મિકતા, ખાનપાનમાં પવિત્રતા, એકબીજાને સહયોગ કરવાની વૃત્તિ અને પરોપકાર જેવા ગુણના દર્શન ગુજરાતના સમાજજીવનમાં થાય છે. ગુજરાતીઓ અન્યને પોતાના બનાવી જાણે છે અને પોતે અન્યના બની જતા અચકાતા નથી એટલે જ ગુજરાતીઓ આખા વિશ્વને પોતાનો પરિવાર બનાવી જાણે છે.

રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે રક્તદાતાઓને માનવતાના પ્રહરી અને સમાજની નિધિ ગણાવ્યાં હતાં. તેમણે રક્તદાનની પ્રવૃત્તિ સહિતની સમાજ સેવાની પ્રવૃત્તિને સાચા અર્થમાં પૂજા ગણાવી હતી. રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર દ્વારા સ્થાપિત અત્યાધુનિક સુવિધા પૂર્ણ બ્લડ બેન્કને માનવતાનું મંદિર ગણાવી હતી

અને રક્તદાન પ્રવૃત્તિમાં સમયાંતરે વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવા બદલ લોક સમર્પણ રક્તદાન કેન્દ્રને ધન્યવાદ પણ પાઠવ્યા હતા. રાજ્યપાલશ્રીએ માનવતાના કાર્યોને જ જીવનનો શ્રેષ્ઠ કર્મ માર્ગ ગણાવી ઈશ્વરે સર્જેલી પ્રકૃતિના સંરક્ષણ માટે સૌને સહયોગ આપવા પણ અનુરોધ કર્યો હતો અને રક્તદાતાઓ તેમજ લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના સેવાભાવી કર્મયોગીઓને બિરદાવ્યા હતા.

આ અવસરે લોક સમર્પણ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ શ્રી હરિભાઈ કથીરીયાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, સુરત શહેરના દાનવીર દાતાઓએ જયારે પણ જરૂર પડી છે ત્યારે રકતનુ મહામુલું દાન કર્યું છે. કોરોનાના કપરા કાળમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે કેન્દ્ર પર આવીને રકતદાતાઓએ દાન આપીને માનવા મહેકાવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે શ્રીહરિગ્રુપના રાકેશભાઈ દુધાતે જણાવ્યું હતું કે, લોકસમર્પણ રકતદાન કેન્દ્રએ ૨૫ વર્ષની સેવાકીય કાર્ય કરી સમાજને નવો માર્ગ બતાવ્યો છે. જયારે લોહી આપવા માટે લોકો ડરતા હતા ત્યારે લોકોને સમજાવીને રકતદાન કરવા માટે પ્રેરણા પુરી પાડવાનુ કાર્ય રકતદાતાઓએ કર્યુ હોવાનુ તેમણે જણાવ્યું હતું.

આ અવસરે સૌરાષ્ટ્ર સેવા સમાજના પ્રમુખ શ્રી કાનજીભાઈ ભાલાળાએ લોકસમર્પણ રકતદાન કેન્દ્રની યશગાથા વર્ણવતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં લોકસમર્પણ રકતદાન કેન્દ્ર માનવતાનું શ્રેષ્ઠ કાર્ય કરનારી સંસ્થા છે.  ૧૯૯૯માં એક જ દિવસમાં ૮૦૦૮ તથા ૨૦૦૫માં એક જ દિવસમાં ૨૦૦૨૨ જેટલા યુનિટ રકત એકત્ર કરીને નવો કિર્તીમાન સ્થાપિત કર્યો હતો. દશાબ્દી વર્ષ નિમિત્તે સતત સાત દિવસ સુધી રકતદાતાઓએ રકતદાન કરીને સપ્તાહની ઉજવણી કરી હોવાનું જણાવી સૌ રકતદાતાઓને અભિનંદન પાઠવ્યા હતા.

રાજયપાલશ્રીના હસ્તે રકતદાન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારી સંસ્થાઓ, સૌથી વધુ રકતદાન કરનારા દાતાઓ, સેવા ભાવી ડોકટરશ્રીઓ અને ટ્રસ્ટીઓનું અભિવાદન કર્યું હતું રાજયપાલશ્રીએ લોકસમર્પણ રકતદાન કેન્દ્રની મુલાકાત લઈને ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓને બિરદાવી હતી.

આ અવસરે ધારાસભ્ય શ્રી કિશોરભાઈ કાનાણી,  અગ્રણીશ્રી વલ્લભભાઈ સવાણી, મહેશભાઈ સવાણી,  દાતાશ્રી હંસરાજભાઈ ગોડલિયા, લોકસમર્પણ કેન્દ્રના સ્થાપકશ્રી જીવરાજભાઈ ડાંખરા તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.