18 ગામોમાં 5 હજારથી વધુ લોકોના લોહીના નમુના લેવાયા
વિરમગામ સહિત અમદાવાદ જિલ્લામાં લિમ્ફેટિક ફાઇલેરિયાસીસ અંતર્ગત સર્વેલન્સ કામગીરી હાથ ધરાઈ
અમદાવાદ જિલ્લાના રેન્ડમ ૧૮ ગામમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ૫ હજારથી વધુ લોકોના લોહીના નમુના લેવાયા : હાથીપગાનો રોગ ક્યુલેક્સ મચ્છર દ્વારા ફેલાય છે
વિરમગામ : અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેશ પરમાર અને ઇન્ચાર્જ જિલ્લા મેલેરિયા અધિકારી ડો.ચિંતન દેસાઇના માર્ગદર્શન હેઠળ તારીખ- ૧૬/૦૧/૨૦૨૩થી ૧૯/૦૧/૨૦૨૩ દરમ્યાન વિરમગામ સહિત અમદાવાદ જિલ્લાના ૯ તાલુકાના ૨-૨ ગામ એટલે કે રેન્ડમ સિલેક્ટ કરેલા
કુલ ૧૮ ગામમાં માઇક્રો ફાઇલેરીયા (હાથીપગો)ના રોગનું રાત્રિ સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય કર્મચારીઓ દ્વારા અમદાવાદ જિલ્લામાં ૨૦ વર્ષથી મોટી ઉંમરના રેન્ડમ ૫ હજારથી વધુ લોકોના લોહીના નમૂના લેવામાં આવ્યા છે. જેમાંથી એક પણ વ્યક્તિમાં હાથીપગાનો રોગ જોવા મળ્યો નથી.
હાથીપગાનો રોગ એ ક્યુલેક્સ મચ્છર દ્વારા ફેલાય છે અને આ મચ્છર ગંદા પાણીમાં ઇંડા મૂકે છે. આ મચ્છર રાત્રે કરડે છે અને રોગ ફેલાવે છે. હાથીપગાનો રોગ થયા પછી તેના જીવાણુની અસર ૫ વર્ષ પછી દેખાય છે.
હાથીપગાનો રોગ એલિમિનેશન તરફ હોઇ નોન એન્ડેમિક વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી કરવાની થતી હોઇ અમદાવાદ જિલ્લાના પસંદ કરેલા રેન્ડમ ૧૮ ગામમાં રાત્રે ૮થી ૧૨ વાગ્યા સુધી કુલ ૯૦ કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે ફરીને લોહીના નમુના એકત્રિત કરવામાં આવ્યા હતા.
વર્ષ ૨૦૨૭ સુધીમાં ફાઇલેરિયાના રોગને નાબૂદ કરવાનો લક્ષ્યાંક રાખાવામાં આવ્યો છે. સર્વેલન્સની કામગીરી પૂર્વે તમામ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી અને ગ્રામ્ય વિસ્તારોમાં હાથીપગા રોગ અંગે જનજાગૃતિ કરવામાં આવી હતી. સર્વેલન્સ કામગીરીનું જિલ્લા તથા તાલુકા કક્ષાએથી સુપરવિઝન કરવામાં આવ્યું હતું.