સામાન્ય અકસ્માતમાં ત્રણ યુવકો પર લોહિયાળ હુમલો
ત્રણેય યુવાનોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા: પાંચ વિરૂદ્ધ ફરિયાદ
(એજન્સી)અમદાવાદ, શહેરના શીલજબ્રિજ પાસે આવેલા માહોલ કાફેની સામે મોડી રાતે સામાન્ય અકસ્માત મામલે પાંચથી વધુ શખ્સોએ ત્રણ યુવકને પાઈપ તેમજ ડંડાથી માર મારીને લોહીલુહાણ કરી દેતા મામલો બીચક્યો છે. બે યુવક સ્કોર્પિયો લઈને જતા હતા ત્યારે એક યુવકની વર્ના કાર સામાન્ય અથડાઈ હતી. સ્કોર્પિયેના ચાલકે યુવક પાસે ખર્ચાે માગ્યો હતો.
જેથી મામલો ીબચક્યો હતો. વર્નાચાલકે તેના બે મિત્રોને સમાધાન માટે બોલાવી દીધા હતા જ્યારે સ્કોર્પિયોના ચાલકે માથાકૂટ કરવા તેના મિત્રોને બોલાવી દીધા હતા. સ્કોર્પિયોચાલક તેના મિત્રો સાથે મળીને ત્રણેય યુવકને માર મારીને નાસી ગયો હતો. સાયન્સસિટી વિસ્તારમાં આવેલ ગોકુલ બંગ્લોઝમાં રહેતા મેઘલ પ્રજાપતિએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં મયૂર ઠાકોર, પંકજ ઠાકોર, નીલેશ ઠાકોર સહિત પાંચ લોકો વિરૂદ્ધ હત્યાની કોશિશની ફરિયાદ કરી છે.
ગઈ કાલે રાતે મેઘલ તેની વર્ના કાર લઈને શીલજબ્રિજ પાસે આવેલ માહોલ કેફે પાસે ગયો હતો. મેઘલની કારની આગળ એક બ્લેક કલરની સ્કોર્પિયો હતી. જેણે એકાએક યુટર્ન મારતા મેઘલે તેની કારને બ્રેક મારી હતી. મેઘલે બ્રેક માર્યા બાદ પણ કાર થોડી સ્કોર્પિયોને ટક્કર વાગતાં તેમાથી બે યુવકો ઊતર્યા હતા અને મેઘલને કહેવા લાગ્યા હતા કે કેમ નુકસાન કર્યું છે.
મેઘલે બંને યુવકને કહ્યું કે હું તમને નુકસાનના રૂપિયા આપી દઈશ પરંતુ તમે મારી સાથે બબાલ ના કરશો. મેઘલની વાત સાંભળીને બંને યુવક કહેવા લાગ્યા હતા કે મારે હાલને હાલ નુકસાનના રૂપિયા જોઈએ છે નહીં તો મારી ગાડી રિપેર કરાવીને આપ. મેઘલ પાસે રૂપિયા નહીં હોવાથી તેણે તેના મિત્ર જય પટેલ તેમજ દેવ ઓઝાને ફોન કર્યાે હતો. જય અને દેવ બંને મેઘલ પાસે આવી ગયા હતા અને ગાડીના નુકસાનના બાબતે બે યુવક સાથે ચર્ચા કરી રહ્યા હતા.
બંને પક્ષે સમાધાનની વાત ચાલતી હતી, પરંતુ સ્કોર્પિયોના ચાલકે પણ તેમના ઓળખીતાને બોલાવી દીધા હતા. યુવકોએ આવીને સ્કોર્પિયોચાલકને પૂછ્યું હતું કે મયૂર શું થયું, આ લોકો તારી સાથે કેમ ઝઘડો કરે છે. ઉશ્કેરાયેલા મયૂરે બૂમો પાડીને તેના મિત્રોને કહ્યું કે પંકજ ઠાકોર અને નીલેશ ઠાકોર શું જોઈ રહ્યા છો ગાડીમાં લાકડીઓ અને પાઈપો પડી છે પૈસા નથી લેવા આજે આમને પૂરા કરી દેવા છે.
જોતજોતામાં ગાડીમાંથી મયૂરે પાઈપ અને ડંડા કાઢ્યા હતા અને પાંચથી વધુ લોકોએ મેઘલ, જય અને દેવ પર હુમલો કરી દીધો હતો. પાઈપ અને ડંડા વાગતાં જય અને દેવ અર્ધબેભાન હાલતમાં જમી પર પડી ગયા હતા જ્યારે મેઘલ દોડીને સીધો નજીકમાં આવેલા વૃંદાવન બંગ્લોઝમાં રહેતા તેના મિત્રો વેદાંત, અદિત અને રાજને બોલાવવા પહોંચી ગયો હતો.
હુમલો કરીને મયૂર, પંકજ તેમજ નીલેશ ઠાકોર સહિતના લોકો ત્યાંથી નાસી ગયા હતા. ત્રણેયને તાત્કાલિક સારવાર માટે નજીકની ઝાયડસ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ઘટનાની જાય બોડકદેવ પોલીસને થતાં તે તાત્કાલિક ઘટના સ્થળે આવી ગઈ હતી અને પાંચથી વધુ લોકો વિરૂદ્ધ હત્યાની કોશિશનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.