14મી માર્ચથી બોર્ડની ધો-૧૦ અને ૧૨ની પરીક્ષાઓનો પ્રારંભ થશે
(એજન્સી)અમદાવાદ, રાજ્યભરમાં આગામી તારીખ ૧૪ માર્ચથી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ બોર્ડની શાંતિમય વાતાવરણમાં પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ગુજરાત પરીક્ષા બોર્ડ દ્વારા આગમી ૧૪ માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા યોજાવાની છે.
જેમાં ધોરણ૧૦ માં ૯.૫૬ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧.૧૦ લાખ વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય પ્રવાહમાં ૫.૬૫ લાખ વિદ્યાર્થીઓ પ્રથમ વખત પરીક્ષા આપવાના છે.
રાજ્યમાં ધોરણ ૧૦ની પરીક્ષા માટે ૯૫૮ કેન્દ્રો જયારે ધોરણ ૧૨ના સામાન્ય પ્રવાહ માટે ૫૨૫ જ્યારે વિજ્ઞાન પ્રવાહ માટે ૧૪૦ કેન્દ્રો પર આ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે લેવામાં આવશે. તેમ જણાવી મંત્રી પટેલે રાજ્યભરના પરીક્ષાર્થીઓને સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. વિદ્યાર્થીઓ અત્યારે પરીક્ષાને લઈને ગળાડૂબ તૈયારી કરી રહ્યા છે. વિદ્યાર્થીઓમાં પરીક્ષાને લઈને ભારે ઉત્સાહ પણ જાેવા મળી રહ્યો છે.
ગત વર્ષ દરમિયાન પણ કોરોનાની અસર વચ્ચે શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ પુરતા સમય સુધી કાર્યરત ન હતુ જયારે વર્ષ ૨૦૨૦માં બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવી હતી. જયારે આ વર્ષે લાંબા સમયના અંતે સમગ્ર વર્ષ શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય પણ થયું છે.