બોબી દેઓલ અને સાન્યા મલહોત્રાએ થ્રિલર ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું
મુંબઈ, ચર્ચાસ્પદ ફિલ્મો અને નિવેદનો માટે જાણીતા અનુરાગ કશ્યપે આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ થ્રિલર ફિલ્મમાં બોબી દેઓલ અને સાન્યા મલહોત્રા લીડ રોલમાં છે, જ્યારે મલયાલમ એક્ટર જોજુ જ્યોર્જ માટે આ પહેલી બોલિવૂડ ફિલ્મ છે.
અનુરાગ કશ્યપે સોશિયલ મીડિયા પોસ્ટમાં આગામી ફિલ્મની એનાઉન્સમેન્ટ કરી હતી. ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી થયું નથી, પરંતુ તેમાં બોબી અને સાન્યા ઉપરાંત સપના પબ્બી, રિદ્ધિ સેન, અંકુશ ગેડામ, નાગેશ ભોંસલે સહિતના કલાકારો છે. મલયાલમ સિનેમામાં ‘ઈરાટ્ટા’, ‘નાયાટ્ટુ’ અને ‘ચુરુલિ’ સહિત ઘણી ફિલ્મોમાં જુજુએ એક્ટર તરીકે સફળતા મેળવી છે.
અનુરાગ કશ્યપે ફિલ્મની કાસ્ટ અંગે પણ સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી. અનુરાગે હજુ આ ફિલ્મનું ટાઈટલ જાહેર કર્યું નથી, પરંતુ મુંબઈમાં તેનું શૂટિંગ શરૂ થઈ ગયું છે.
આ ફિલ્મ વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત હોવાનું મનાય છે. અનુરાગની ફિલ્મના વિષય અંગે વધારે વિગતો બહાર આવી નથી, પરંતુ તેઓ કોઈ ચર્ચાસ્પદ વિષયની પસંદગી કરે તેવી શક્યતા છે. બોબી દેઓલ પાછલા કેટલાક સમયથી ફરી ચર્ચામાં આવ્યા છે અને બીજી ઈનિંગમાં તેમના સ્ટારડમમાં પણ વધારો થયો છે.
અગાઉ એક્શન અને રોમેન્ટિક રોલ કરનારા બોબીએ નવી શરૂઆતમાં વિલનના રોલમાં લોકપ્રિયતા મેળવી છે. બોબીએ નવી ઈનિંગમાં વેબ સિરીઝ ‘આશ્રમ’, ‘એનિમલ’, ‘લવ હોસ્ટેલ’માં પોતાની ટેલેન્ટ પુરવાર કરી દીધી છે. ‘લવ હોસ્ટેલ’માં બોબી અને સાન્યા અગાઉ સાથે કામ કરી ચૂક્યા છે. તેઓ બીજી વખત સાથે ફિલ્મ કરી રહ્યા છે.SS1MS