સસરાની ચોરાયેલી ગાડી જોતા જમાઈએ પોલીસને જાણ કરીઃ 17.50 લાખનો દારૂ ઝડપાયો
પીકઅપ ડાલામાં સ્વાઇપ ચોરખાનામાં એક એક મોજામાં વિંટાળેલી દારૂની બોટલો ઝડપાઈ
અમદાવાદ , શહેર પોલીસ કંટ્રોલરૂમમાં એક વ્યક્તિએ ફોન કરીને તેના સસરાની રાજકોટથી ચોરી થયેલી ગાડી બોડકદેવ ગાર્ડન પાસે હોવાની જાણ કરી હતી. મેસેજના આધારે બોડકદેવ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
જ્યાં કંટ્રોલરૂમમાં ફોન કરનારી વ્યક્તિ મળી આવી હતી. પોલીસે ગાડીની તપાસ કરતા તેમાંથી દારૂની બોટલ મળી આવી હતી. બાદમાં વધુ તપાસ દરમિયાન ગાડીમાંથી દારૂની બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
જેથી પોલીસ દોઢ કલાક સુધી ગાડી લેવા આવનારની વોચમાં બેઠી હતી. બાદમાં બે શખ્સો આવ્યા હતા, જેમાંથી એક શખ્સ ગાડીમાં જ્યારે બીજો શખ્સ બાજુમાં પડેલા પીકઅપ ડાલામાં બેસવા જતો હતો. પોલીસે બંનેને ઝડપી પાડી ગાડી અને પીકઅપ ડાલામાં તપાસ કરતા દારૂ-બિયરનો જથ્થો મળ્યો હતો.
આરોપીઓએ પીકઅપ ડાલામાં હાઇડ્રોલીક ચોરખાનું બનાવીને દારૂની બોટલો ફુટે નહિ તે માટે મોજાની અંદર એક એક દારૂની બોટલો છૂપાવી હતી.
બોડકદેવ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી ૩૪૯ બોટલ દારૂ અને ૪૮ બિયરના ટીન તથા વાહનો મળીને કુલ ૧૭.૫૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ચાંદખેડામાં રહેતા પાર્થ કોરડીયાએ રાજકોટથી તેમના સસરાની ચોરાયેલી ગાડી બોડકદેવમાં હોવા બાબતે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કર્યો હતો. જેથી બોડકદેવ પોલીસ બોડકદેવ ગાર્ડનની બાજુમાં શ્રીધર બંગલાની સામે પહોંચી હતી.
ત્યાં પહોંચેલી પોલીસને પાર્થભાઇ મળી આવ્યા હતા અને સાથે બલેનો ગાડી મળી હતી. જોકે, ગાડી લોક હોવાથી પોલીસે કાચમાંથી જોતા ત્રણ થેલા અને દારૂની ખુલ્લી બોટલ મળી હતી. જેથી પોલીસને શંકા જતા ત્યાં ગાડી લેવા આવનારને પકડવા દોઢ કલાક સુધી વોચ ગોઠવી હતી. તેવામાં બે શખ્સો આવતા બંનેને ઝડપી લીધા હતા. પોલીસે છત્રપાલસિંગ સિસોદીયા અને જીતેન્દ્રસિંગ ચૌહાણ (બંને રહે, ડુંગરપુર, રાજસ્થાન)ની અટકાયત કરી વાહનોની તપાસ કરતા ગાડીમાંથી ૬૫ બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
બાદમાં પોલીસે પીકઅપ ડાલાની તપાસ કરતા તેમાં સ્વાઇપ થાય તેવું હાઇડ્રોલિક ચોરખાનું બનાવ્યું હતું. જે ચોરખાનામાં એક એક મોજામાં વિંટાળેલી ૨૮૪ દારૂની બોટલ અને ૪૮ બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે કુલ ૩૪૯ બોટલ દારૂ અને ૪૮ બિયરના ટીન સાથે કુલ ૧૭.૫૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.