Western Times News

Gujarati News

કચ્છના રણમાં લાપતા ઇજનેરનો મૃતદેહ પાંચ દિવસે રઝળતો મળ્યો

ભૂજ, કચ્છના રાપર તાલુકાના બેલા નજીકના રણમાં સર્વે માટે ગયેલા એક ઈજનેર અર્બન પાલ લાપતા બની ગયા હતા. આખરે પાંચ દિવસની શોધખોળ બાદ તેમનો મૃતદેહ મળી આવ્યો છે.

રવિવારે ગુમ થયેલા ત્રણ કર્મચારીઓમાંથી બે જણા હેમખેમ મળી આવ્યા હતા, જ્યારે અર્બન પાલની લાશ મળી આવતા શોધખોળનો અંત આવ્યો છે.

ગત ૬ એપ્રિલે, રવિવારના રોજ રાપર તાલુકાના બેલા ગામ નજીકના રણમાં એક ખાનગી સર્વે કંપનીના ત્રણ કર્મચારીઓ સોલાર પ્રોજેક્ટના નિર્માણ માટે સર્વેની કામગીરી હાથ ધરવા ગયા હતા.

આ ટીમમાં અર્બન પાલ (ઈજનેર, પશ્ચિમ બંગાળના રહેવાસી), મોહમ્મદ ગનીખાન (ડ્રાઈવર) અને ચેલારામ મિથારામ (સહાયક)નો સમાવેશ થતો હતો. બપોરના સમયે તીવ્ર ગરમી અને પાણીની અછતને કારણે ટીમના સભ્યો મુશ્કેલીમાં મુકાયા હતા.

ચેલારામ રણમાં જ બેસી ગયા હતા, જ્યારે અર્બન પાલ પાણી લેવા માટે નીકળ્યા હતા, પરંતુ તે પાછા ફર્યા ન હતા. ગનીખાન અને મિથારામ બાદમાં હેમખેમ મળી આવ્યા હતા, પરંતુ અર્બન પાલ ગુમ થયા હતા.

આ ઘટનાની જાણ થતાં જ બાલાસર-ખડીર પોલીસ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ), વન વિભાગ અને સ્થાનિક ગ્રામજનોએ સંયુક્ત રીતે શોધખોળ શરૂ કરી હતી. ૧૦૦થી વધુ કર્મચારીઓની ટીમે ડ્રોન કેમેરા, બીએસએફના સાત વાહનો અને માનવ ટ્રેકર્સની મદદથી રણના વિશાળ વિસ્તારમાં શોધખોળ હાથ ધરી. આખરે, ૧૦ એપ્રિલે સાંજે અર્બન પાલની લાશ રણના એક ભાગમાંથી મળી આવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.