મોડલ દિવ્યાની લાશ મર્ડરના 11 દિવસ પછી કેનાલમાંથી મળી
- ગેંગસ્ટરની ગર્લફ્રેન્ડની ઓળખ પીઠ પરના ટેટૂથી કરાઈ, ગુરુગ્રામની હોટલમાં હત્યા કરાઈ હતી
ગુરુગ્રામમાં જેની હત્યા કરવામાં આવી એ ગેંગસ્ટરની મોડલ ગર્લફ્રેન્ડ દિવ્યા પાહુજાનો મૃતદેહ શનિવારે મળ્યો છે. પોલીસે NDRF ટીમની મદદથી તેને ફતેહાબાદના જાખલમાં કુડની હેડ પાસે ભાખરા કેનાલમાંથી શોધી કાઢ્યો હતો. દિવ્યાના મૃતદેહને લઈ જઈ રહેલા બલરાજ ગિલની કોલકાતાથી ધરપકડ બાદ આ સુરાગ મળી આવ્યો હતો. ત્યાર બાદ NDRFની 25 ટીમની મદદથી પટિયાલાથી ખનૌરી સુધી મૃતદેહની શોધખોળ કરવામાં આવી હતી.
મૃતદેહ મળ્યા બાદ પોલીસે તેનો ફોટો દિવ્યાના પરિવારને મોકલી આપ્યો હતો. તેમની ખાતરી બાદ તેનો કબજો લેવામાં આવ્યો હતો. ગુરુગ્રામના એસીપી ક્રાઈમ વરુણ દહિયાએ પુષ્ટિ કરી છે કે દિવ્યાનો મૃતદેહ મળ્યો છે. હત્યાના 11મા દિવસે દિવ્યાનો મૃતદેહ મળ્યો હતો.
આ પહેલાં બલરાજ ગિલે કહ્યું હતું કે તેણે રવિ બંગા સાથે મળીને દિવ્યાના મૃતદેહને પંજાબના પટિયાલા પાસે ભાખરા કેનાલમાં ફેંકી દીધો હતો. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે લાશ ધોવાઈને અહીં આવી હશે. બલરાજને 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર ગુરુગ્રામ લાવવામાં આવી રહ્યો છે. પોલીસની ટીમ શનિવારે બપોર સુધીમાં ગુરુગ્રામ પહોંચી જશે.
પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર, કોલકાતા પોલીસની પ્રારંભિક પૂછપરછ દરમિયાન બલરાજ ગિલે ખુલાસો કર્યો હતો કે 2 જાન્યુઆરીની રાત્રે તે બીએમડબ્લ્યુ કારમાં દિવ્યા પહુજાના મૃતદેહને લઈને રવિ બંગા સાથે ગુરુગ્રામ જવા નીકળ્યો હતો. આ પછી બંનેએ તેનો મૃતદેહ પટિયાલા-સંગરુર વચ્ચે ભાખડા કેનાલમાં ફેંકી દીધો હતો. મૃતદેહનો નિકાલ કર્યા પછી બલરાજ તથા રવિ પાછા પટિયાલા આવ્યા અને બસ સ્ટેન્ડના પાર્કિંગમાં BMW કાર છોડી દીધી.
અહીંથી બંનેએ ટેક્સી બુક કરી અને પોલીસથી બચવા રાજસ્થાનના ઉદયપુર શહેર પહોંચ્યા. હત્યાકાંડના બે દિવસ બાદ 4 જાન્યુઆરીએ પોલીસે પટિયાલામાંથી BMW કાર કબજે કરી હતી. આ પછી પોલીસે બંને આરોપીને ટ્રેસ કર્યા અને જાણવા મળ્યું કે તેઓ ઉદયપુરની એક હોટલમાં રોકાયા હતા.
પોલીસ ટીમ ઉદયપુર પહોંચી ત્યાં સુધીમાં બંને આરોપી ત્યાંથી નાસી છૂટ્યા અને પાછા ચંદીગઢ પહોંચી ગયા. અહીંથી બંને ટ્રેનમાં બેસી હાવડા પહોંચ્યા. આ પછી બલરાજ ગિલ અને રવિ બંગા બંને અલગ થઈ ગયા.
11 જાન્યુઆરીના રોજ ગુરુગ્રામ પોલીસ દ્વારા દિવ્યા હત્યા કેસના આરોપી બલરાજ ગિલ અને રવિ બંગા માટે એક લુકઆઉટ સર્ક્યુલર (LOC) જાહેર કરવામાં આવ્યો હતો, તેમની વિદેશ ભાગી જવાની શક્યતા વચ્ચે. બીજા જ દિવસે 11 જાન્યુઆરીએ એરપોર્ટ પોલીસે બલરાજ ગિલની કોલકાતાથી ધરપકડ કરી હતી.
આ પછી ગુરુગ્રામ પોલીસ બલરાજ ગિલને લેવા કોલકાતા પહોંચી હતી. પોલીસે બલરાજને કોર્ટમાંથી 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લીધો છે. પોલીસ તેને રોડ દ્વારા લાવી રહી છે. બલરાજ ગિલને શનિવારે બપોર સુધીમાં ગુરુગ્રામ લાવી શકાય છે.
2 જાન્યુઆરીએ દિવ્યાની હત્યા કરવામાં આવી હતી
હકીકતમાં ગુરુગ્રામના બલદેવ નગરમાં રહેતી દિવ્યા પાહુજા (27)ની 2 જાન્યુઆરીએ હોટલ સિટી પોઈન્ટમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા હોટલના માલિક અભિજિત સિંહે કરી હતી. દિવ્યા તેની સાથે 3 મહિનાથી લિવ-ઈન રિલેશનશિપમાં હતી. હત્યાકાંડના એક દિવસ પહેલાં 1 જાન્યુઆરીએ ત્રણેય અભિજિત સિંહ, દિવ્યા પાહુજા અને બલરાજ ગિલ હોટલ સિટી પોઈન્ટ પહોંચ્યા હતા. ત્રણેય હોટલના રિસેપ્શનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં જોવા મળ્યા હતા. ઘટના બાદ મુખ્ય આરોપી અભિજિત સિંહે તેના મિત્રો બલરાજ ગિલ અને રવિ બંગાને તેની BMW કારમાં 10 લાખ રૂપિયા આપીને લાશના નિકાલ માટે મોકલ્યા હતા.
SS