Western Times News

Gujarati News

વડોદરામાં શિક્ષિકા-છાત્રાના મૃતદેહને અગ્નિદાહ અપાયો

વડોદરા, વડોદરાના હરણી વિસ્તારમાં આવેલા લેક ઝોનમાં બોટ પલટી જવાના કારણે ૧૨ માસૂમ બાળકો અને ૨ શિક્ષકોના મોતની ઘટનાએ વડોદરા સહિત સમગ્ર ગુજરાતને શોકમાં ગરકાવ કરી દીધુ છે.

મોતને ભેટેલા આ બાળકોની ક્યાંક અંતિમ યાત્રા તો ક્યાંક જનાજાે નિકળ્યો હતો અને સ્મશાનમાં તેમજ કબ્રસ્તાનમાં તેમની અંતિમ વિધિ થઈ હતી. તેમાં પણ શહેરના ખાસવાડી સ્મશાનમાં તો શિક્ષકા અને તેમની શિષ્યાના મૃતદેહને એક સાથે અગ્નિદાહ અપાયો તો હાજર રહેલા લોકોની આંખો આંસુથી છલકાઈ ગઈ હતી.

શિક્ષિકા અને તેમની વિદ્યાર્થિનીનો સ્કૂલની જગ્યાએ સ્મશાનમાં મેળાપ થયો હતો. મળતી વિગતો પ્રમાણે હરણીના લેકઝોન ખાતે ગુરૂવારે વાઘોડિયા રોડ પરની ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્ટાફ પિકનિક માટે ગયો હતો અને બોટ ચલાવનાર તેમજ લેક ઝોનના સંચાલકોએ ક્ષમતા કરતા વધારે બાળકોને બેસાડતા બોટ પલટી ખાઈ ગઈ હતી.

આ ગોઝારી દુર્ઘટનામાં મોતને ભેટનારાઓમાં બીજા ધોરણમાં ભણતી અને આજવા રોડ પર પ્રતિભા સોસાયટીમાં રહેતી નેન્સી માછી તેમજ આજવા રોડ પર નવજીવન સોસાયટીમાં રહેતા શિક્ષિકા ફાલ્ગુનીબેન પટેલનો સમાવેશ થતો હતો.

આજે તેમની અંતિમ યાત્રા તેમના નિવાસ સ્થાનેથી નિકળી હતી અને યોગાનુયોગ એક સાથે કારેલીબાગના ખાસવાડી સ્મશાને પહોંચી હતી. જ્યાં શિક્ષિકા અને તેમની વિદ્યાર્થિનીના નશ્વર દેહના એકબીજાની આજુબાજુમાં જ અંતિમ સંસ્કાર થતા કરુણ દ્રશ્ય સર્જાયું હતું. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.