બોગસ પાસપોર્ટ પર યુવક અમેરિકા ગયો: અમદાવાદ પાછો આવ્યો ત્યારે ભાંડો ફૂટયો
અમદાવાદ, અમેરિકામાં બોર્ડર ક્રોસ કરીને કે પછી બીજી અન્ય રીતે ઘૂસેલા ભારતીયોને શોધી-શોધીને ડિપોર્ટ કરવાની કામગીરી ટ્રમ્પ સરકાર કરી રહી છે ત્યારે અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં કબૂતરબાજીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એજન્ટે રર લાખ રૂપિયામાં મહેસાણાના યુવકને બોગસ પાસપોર્ટના આધારે અમેરિકા મોકલી આપ્યો હતો.
એજન્ટે પહેલાં યુવકનો બોગસ પાસપોર્ટ બનાવ્યો ત્યારબાદ તેને કેનેડા મોકલી આપ્યો હતો. કેનેડાથી બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં એન્ટ્રી અપાવી દીધી હતી. યુવક જ્યારે પરત અમદાવાદ આવ્યો ત્યારે ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટે તેને પાસપોર્ટમાં સિક્કા ન હોવાના આધારે ઝડપી લીધો હતો.
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)માં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેકટર એમ.એસ.ત્રિવેદીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ધર્મેશ પટેલ અને વિષ્ણુ પટેલ વિરૂદ્ધ બોગસ પાસપોર્ટ બનાવીને વિદેશ જવાનો ગુનો દાખલ કર્યો છે. ઈમિગ્રેશન અધિકારી વિજય ચૌધરી પ જુલાઈ ર૦ર૪ના રોજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફરજ બજાવી રહ્યા હતા
ત્યારે અમેરિકાથી અબુધાબી થઈને આવેલી ઐતિહાદ ફલાઈટ નં.ઈવાયર૮૬ લેન્ડ થઈ હતી. વિજય ચૌધરી ઈમિગ્રેશન કાઉન્ટર ઉપર હતા અને તમામ પેસેન્જરના પાસપોર્ટ ચેક કરી રહ્યા હતા. દરમિયાનમાં એક પેસેન્જર ધર્મેશ પટેલે પોતાનો ભારતીય પાસપોર્ટ બતાવ્યો હતો. ધર્મેશ પટેલના પાસપોર્ટ પર શંકા જતાં વિજય ચૌધરીએ પૂછપરછ કરી હતી.
ધર્મેશ પટેલના પાસપોર્ટ પર આવવા-જવાના સિક્કા નથી તે મામલે વિજય ચૌધરીએ પૂછયું હતું. વિજયની પૂછપરછમાં ધર્મેશ પટેલ ભાંગી પડયો હતો અને તેણે કબૂલાત કરી હતી કે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જાસલપુર ગામમાં રહેતા વિષ્ણુ પટેલ નામના એજન્ટે બોગસ પાસપોર્ટના આધારે પહેલાં કેનેડા મોકલ્યો. જ્યાં બોર્ડર ક્રોસ કરાવીને અમેરિકા મોકલી આપ્યો હતો.
ઈમિગ્રેશન અધિકારી વિજય ચૌધરીએ આ મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. પોલીસે આ મામલે ધર્મેશની પૂછપરછ કરી હતી જેમાં તેણે કબૂલાત કરી હતી કે, એજન્ટ વિષ્ણુ પટેલે બીજા કોઈના પાસપોર્ટમાં તેનો ફોટોગ્રાફસ ચોંટાડી દીધો હતો અને કેનેડાથી બોર્ડર ક્રોસ કરાવીને અમેરિકા ગેરકાયદે મોકલી આપ્યો હતો. આ મામલે એસઓજીએ એરપોર્ટ પોલીસ સ્ટેશમાં ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પોલીસે સમગ્ર મામલે ધર્મેશ પટેલનો ભાઈ અશ્વિન પટેલની પૂછપરછ કરી હતી કે ધર્મેશ પટેલને અમેરિકા જવાનો ક્રેઝ હતો. જેથી તેણે ર૦૦૯માં પાસપોર્ટ કઢાવ્યો હતો. પાસપોર્ટ હોવા છતાંય ધર્મેશ પટેલ અમેરિકા જઈ શકયો નહીં જેના કારણે તેણે એજન્ટ વિષ્ણુ પટેલનો સંપર્ક કર્યો હતો.
વિષ્ણુ પટેલે ધર્મેશને રર લાખ રૂપિયામાં અમેરિકા મોકલી આપવા માટેની વાત કરી હતી. ધર્મેશ રાજી થઈ જતાં તેણે પોતાનો ફોટોગ્રાફસ વિષ્ણુ પટેલને આપ્યો હતો. વિષ્ણુ પટેલે બીજા કોઈના પાસપોર્ટ પર ધર્મેશનો ફોટોગ્રાફસ ચોંટાડી દીધો હતો. એજન્ટ વિષ્ણુ પટેલે રર લાખ રૂપિયામાં ધર્મેશને વિદેશ મોકલી આપવા માટેની ડીલ કરી હતી.
કબૂતરબાજી કરનાર એજન્ટોનો રાફડો ફાટી નીકળ્યો છે જેના કારણે લોકોને ફાવતું મળી ગયું છે. નાના ગામડાઓથી લઈને અમેરિકા સુધી એજન્ટોની એક ચેઈન બનેલી છે જેમાં ગેરકાયદે ઘૂસણખોરી થઈ રહી છે. ધર્મેશ પણ આ ચેઈનના આધારે અમેરિકા પહોંચી ગયો હતો. બે નંબરના ધંધામાં પણ ઈમાનદારી હોવાનું વિષ્ણુ પટેલે પૂરવાર કરી દીધું હતું.
વિષ્ણુ પટેલે ધર્મેશ સાથે ડીલ કરી હતી કે તે અમેરિકા પહોંચી જાય ત્યાર બાદ રૂપિયા આપવાના, જેથી બોગસ પાસપોર્ટના આધારે ધર્મેશ પહેલાં કેનેડા પહોંચી ગયો હતો જ્યાંથી તે એજન્ટ મારફતે બોર્ડર ક્રોસ કરીને અમેરિકા જતો રહ્યો હતો. અમેરિકા પહોંચી ગયાના સમાચાર મળતાંની સાથે જ વિષ્ણુ પટેલે રર લાખ રૂપિયા લીધા હતા.
સોશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ધર્મેશ પટેલ અને તેના પરિવારના નિવેદનો લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
એજન્ટ વિષ્ણુ પટેલની ધરપકડ બાદ ગેરકાયદે અમેરિકા મોકલનાર એજન્ટોને પકડી શકાય તે માટે એસઓજીની ટીમ વિષ્ણુ પટેલના ઘરે પહોંચી હતી. એસઓજીની ટીમ જ્યારે વિષ્ણુ પટેલના ઘરે પહોંચી ત્યારે તેના ઘરે લોક મારેલું હતું.
આસપાસ રહેતા લોકોની પૂછપરછ કરી ત્યારે સામે આવ્યું કે, વિષ્ણુ પટેલ પરિવાર સાથે ઘણા સમયથી અમેરિકા જતા રહ્યા હતા. એક વર્ષ પહેલાં વિષ્ણુ પટેલ અમેરિકાથી તેમના ઘરે આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. વિષ્ણુ પટેલના મૃત્યુ બાદ એસઓજીની તપાસ અટકી ગઈ છે અને તેણે ગઈકાલે ધર્મેશ પટેલ અને વિષ્ણુ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધીને ગુનો દાખલ કર્યો છે.