ચિત્રાંગદાને ટાઈપકાસ્ટની સમસ્યાઃ એક જ પ્રકારના રોલની ઓફરથી કંટાળી

‘આઓ રાજા’ ગીત પછી સિડક્ટ્રેસ ઘણા રોલ ઠુકરાવ્યા
ઇન્ડસ્ટ્રીમાં મોટા ભાગે કલાકારોને તેમના એક લોકપ્રિય કામના કારણે એક પ્રકારનાં ડબ્બામાં બંધ કરી દેવાતા હોય છે:ચિત્રંગદા
મુંબઈ,ચિત્રાંગદા ફિલ્મોમાં વૈવિધ્યસભર રોલ કરવા માટે જાણીતી છે. તેમ છતાં તેને જોઈએ એટલાં અને એવા રોલ કરવા મળતા નથી. તાજેતરમાં ચિત્રાંગદાએ તેને ઇન્ડસ્ટ્રીમાં જે રીતે ટાઇપકાસ્ટ કરવામાં આવી છે, તે અંગે વાત કરી હતી. તેણે કહ્યું કે ગબ્બરના ‘આઓ રાજા’ ગીત ોપછી તેના પર એક જ પ્રકારના રોલ અને તકનો વરસાદ થયો હતો. તેના કારણે તેની સામે સારા રોલની તકો મર્યાદિત થઈ ગઈ હતી. ચિત્રાંગદાએ કહ્યું કે ઇન્ડસ્ટ્રીમાં મોટા ભાગે કલાકારોને તેમના એક લોકપ્રિય કામના કારણે એક પ્રકારનાં ડબ્બામાં બંધ કરી દેવાતા હોય છે. તેને પણ આ ગીતમાં કામ કર્યા પછી સિડક્ટ્રેસ કે પછી આઇટમ નંબર માટેની ઓફર જ આવવા માંડી હતી.
તેથી તેને કામની પસંદગીમાં કાળજીપૂર્વક નિર્ણય લેવાનું મહત્વ સમજાયું, જેથી તે એક કાલાકાર તરીકે પોતાની વિશ્વસનીયતા જાળવી શકે.પરંતુ આ નિર્ણય પછી તેની સામે ના પાડવાના પડકારો હતા. આ અંગે ચિત્રાંગદાએ કહ્યું કે તેની કલાકાર તરીકેની સમજ સાથે મેળ ન બેસતો હોય તેના રોલને ના કહેવાનું કામ સહેલું નહોતું. ચિત્રાંગદાએ એવું પણ કબૂલ્યું કે જે કલાકારો આ રીતે કામની ના પાડે છે, તેમને લોકો ચૂઝી માની લે છે અથવા તો એવું સમજવા માંડે છે કે, તેમની સાથે કામ કરવું મુશ્કેલ હોય છે. જોકે, તે એવું પણ માને છે કે ગુણવત્તા વિનાનું કામ કરવાથી એક અભિનેતાની કારકિર્દી ટૂંકી પણ થઈ જાય છે અને તેમનો પ્રભાવ પણ ઘટી જાય છે.
વિચારપૂર્વક કોઈ રોલ માટે ના પાડી દેવાથી ચિત્રાંગદાએ એક ગંભીર કલાકાર તરીકેની પોતાની ઓળખ બનાવી છે. ચિત્રાંગદાએ કહ્યું હતું કે એક જ પ્રકારનું કામ કર્યા કરવાથી તમારી સારું કામ કરવાની ખરા ક્ષમતા ઢંકાઈ જાય છે અને સમયાંતરે તમારામાંથી દર્શકોનો રસ પણ ઉડી જાય છે. ઇન્ડસ્ટ્રીની કલાકારોને ચોકઠાંમાં બેસાડી દેવાની વિતારસરણી છતાં ચિત્રાંગદા પોતાની કળાને સમર્પિત છે. તે માને છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માનનીય અને લાંબી કારકિર્દી જાળવી રાખવા માટે અર્થપૂર્ણ અને વૈવિધ્યપૂર્ણ રોલમાં કામ કરવું અગત્યનું છે.
તેના મતે કલાકારે તેમની યોગ્ય પ્રતિભા દર્શાવી શકે એવા રોલની રાહ જોઈને ધીરજપૂર્વક અને શાંતિથી ફિલ્મની રાહ જોવી જોઈએ, નહીં કે જે સામે આવે એ ફિલ્મ લઈ લે. તાજેતરમાં જ તેણે ખાકીઃ ધ બેંગાલ ચેપ્ટરમાં એક વિરોધપક્ષના મજબૂત નેતા નંદિની બસાકનો રોલ કર્યાે છે. જેમાં તેણે ગ્લેમરના બીબાંમાંથી બહાર આવીને પોતાની પ્રતિભા પુરવાર કરી છે.