દિલ્હીની કોર્ટ સહિત દેશમાં ચાર સ્થળોએ બોમ્બની ધમકી

નવી દિલ્હી, દેશભરની વિવિધ સરકારી કચેરીઓને બુધવારે એક સાથે બોમ્બની ધમકી મળતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. દિલ્હીની દ્વારકા કોર્ટ, છત્તીસગઢની કલેક્ટર ઓફિસ, કેરળના પલક્કડની રેવન્યુ ઓફિસ તથા હિમાચલ પ્રદેશના ડેપ્યુટી કમિશનરની ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી.
દિલ્હીની દ્વારકા કોર્ટના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને મંગળવારે વહેલી સવારે ૩.૧૧ કલાકે કોર્ટના પરિસરમાં બોમ્બ મુકાયો હોવાની જાણ કરતો ઈમેલ મળ્યો હતો. જેને પગલે બુધવારે સવારે પોલીસને સવારે જાણ કરાતાં ડોગ અને બોમ્બ સ્ક્વોડે સમગ્ર પરિસરની તપાસ કરી હતી.
જોકે તપાસમાં કંઈ શંકાસ્પદ નહીં મળી આવતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બોમ્બ મુકાયાની ધમકીની અન્ય એક ઘટનામાં છત્તીસગઢના કબિરધામ જિલ્લા કલેક્ટોરેટને કચેરીમાં બોમ્બ મુકાયો હોવાનો ઈમેલ કરાયો હતો.આ બોમ્બ બપોરે ૨.૩૦ કલાકે ફાટશે તેવી ધમકી અપાઈ હતી. જોકે અહીં પણ પોલીસ તપાસમાં કંઈ મળ્યું નહોતું.
બોમ્બ મુકાયાની ધમકીના ઈમેલ મળ્યાંની અન્ય ઘટનાઓ કેરળના પલક્કડ જિલ્લાના રેવન્યુ ડિવિઝનલ ઓફિસરની ઓફિસ તથા હિમાચલ પ્રદેશના ડેપ્યુટી કમિશનરની ઓફિસમાં બની હતી.
આ બંને સ્થળે પણ ડોગ અને બોમ્બ સ્ક્વોડે સઘન તપાસ હાથ ધરી હતી. જોકે બંનેમાંથી એક પણ સ્થળે કંઈ વાંધાજનક મળ્યું નહોતું. પોલીસે ઈમેલ ક્યાંથી આવ્યો તેનું પગેરું મેળવવા સાયબર એક્સપટ્ર્સની મદદ લીધી છે.SS1MS